નેશનલ

હિંદુ તરીકે જન્મ્યો અને હિંદુ તરીકે મૃત્યુ પામીશઃ બિહારમાં ગિરિરાજ સિંહે આપ્યું મોટું નિવેદન

ભાગલપુરઃ કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે આજે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં તાજેતરની સાંપ્રદાયિક હિંસા હિન્દુઓ સામે વર્તમાન ‘ખતરા’નો પુરાવો છે અને દેશમાં બહુમતી હોવા છતાં તેમને ‘સંગઠિત’ કરવા જરૂરી છે.

ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના વરિષ્ઠ નેતા તેમના લોકસભા મતવિસ્તાર બેગુસરાયથી લગભગ 150 કિલોમીટર દૂર ભાગલપુર જિલ્લામાંથી તેમની ‘હિન્દુ સ્વાભિમાન યાત્રા’ શરૂ કરતા પહેલા પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. સિંહે પત્રકારોને કહ્યું હતું કે ‘આ યાત્રા મારી પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમ નથી. હું હિંદુ તરીકે જન્મ્યો છું અને હિંદુ તરીકે જ મૃત્યુ પામીશ અને તેથી મારો સમુદાય સુરક્ષિત રહે તે માટે પ્રયત્ન કરવાની મારી ફરજ છે.’

તેમણે કહ્યું હતું કે, ‘હિંદુઓ સંગઠિત નથી. આ કારણ છે કે બહુમતી હોવા છતાં તેઓ ખતરામાં છે. બહરાઈચમાં દુર્ગા પૂજા સરઘસ પર હુમલો થયો હતો. આવી જ એક ઘટના બિહારના સીતામઢી જિલ્લામાં બની હતી. આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે, જ્યારે હિંદુઓ મોહરમ દરમિયાન મુસ્લિમો દ્વારા કાઢવામાં આવેલા તાજિયાનો ક્યારેય અનાદર કરતા નથી. હું પોતે પણ અનેક પ્રસંગોએ તાજિયાના ઝુલુસમાં ભાગ લેતો રહ્યો છું.

આપણ વાંચો: Rahul Gandhi પર ભડક્યા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, કહ્યું દેશદ્રોહનો કેસ થવો જોઈએ

કેન્દ્રીય મંત્રીએ ‘બાંગ્લાદેશમાં હિંદુ બહેનોના અપમાન’ અને ‘પાકિસ્તાનમાં આ સમુદાયના લગભગ લુપ્ત થવા’ પર પણ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે ‘દેશના વિભાજન સમયે વસ્તીનું સંપૂર્ણ વિનિમય સુનિશ્ચિત કરવાની આંબેડકરની સલાહ’ પર ધ્યાન ન આપવા બદલ ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર નિશાન સાધ્યું હતું.

સિંહની યાત્રા ભગવાન શિવના પ્રખ્યાત મંદિર બાબા બુઢાનાથ મંદિરથી શરૂ થઈ હતી. જ્યાં ધાર્મિક નેતાઓએ તેમને એક વિશાળ ત્રિશૂળ ભેટમાં આપ્યું હતુ. સિંહે કહ્યું કે તેમણે તેમની યાત્રા માટે ભાગલપુર પસંદ કર્યું કારણ કે શહેરમાં ‘ઘણા જૂના ઘા’ છે. તેમનો ઇશારો હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની હિંસાની વિવિધ ઘટનાઓ તરફ હતો.

સિંહની આ યાત્રા આગામી થોડા દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાંથી પસાર થશે. જ્યારે આરજેડી જેવા વિરોધ પક્ષોએ તેમની યાત્રાની ટીકા કરી હતી, જ્યારે મુખ્યપ્રધાન નીતિશ કુમારના જેડી(યુ) જેવા સાથી પક્ષોએ સાંપ્રદાયિક તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

સિંહની મુલાકાતને લઈને ભાજપમાં અસ્પષ્ટતા છે. બીજેપી રાજ્ય એકમના વડા દિલીપ જયસ્વાલે દાવો કર્યો હતો કે તેઓને આ કાર્યક્રમ વિશે જાણ નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પાર્ટી ‘સબકા સાથ સબકા વિકાસ’ના સૂત્રને અનુસરી રહી છે. જો કે, પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા અજય આલોકે કહ્યું હતું કે ‘ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી હોવા ઉપરાંત ગિરિરાજ સિંહ તેમના ધર્મ માટે પણ પ્રતિબદ્ધ છે. તેઓ તેને પૂર્ણ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button