‘…તો પાકિસ્તાનીઓ કહેશે યુદ્ધ જીતી ગયા’ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનો પાકિસ્તાન પર કટાક્ષ

ચેન્નઈ: ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સશસ્ત્ર સંઘર્ષ ચાલ્યો હતો, જેમાં પાકિસ્તાનને ભારે નુકશાન પહોંચ્યું હતું, આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન હાંસીને પાત્ર બન્યું હતું. એવામાં ભારતની આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી(Army Chief General Upendra Dwivedi)એ પાકિસ્તાન પર આકારો પ્રહારો કર્યા હતાં. તેમણે જનરલ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી આપવા અંગે પાકિસ્તાન સરકાર પર કટાક્ષ કર્યો હતો.
એક સંબોધન દરમિયાન, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું, “જો તમે કોઈ પાકિસ્તાનીને પૂછશો કે ઓપરેશન સિંદૂર દરમિયાન તેઓ જીત્યા કે હાર્યા, તો તે કહેશે કે જનરલ અસીમ મુનીર ફિલ્ડ માર્શલ બની ગયા, આથી પાકિસ્તાન જીતી ગયું!”
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલય દ્વારા અસીમ મુનીરને બઢતી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન કેહવામાં આવ્યું દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને દુશ્મનને હરાવવા માટે યોગદાન આપવા બદલ તેમને આ બઢતી આપવામાં આવી રહી છે.
પાકિસ્તાન સરકારે નેરેટિવ્સ ઘડ્યા:
મદ્રાસ IITમાં આયોજિત એક કાર્યક્રમમાં જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે નેરેટિવ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા પાકિસ્તાનના લોકોને આવું ઠસાવવામાં આવી રહ્યું છે કે યુદ્ધમાં તેમની જીત થઇ છે. પરંતુ એ બધુ માત્ર મનમાં જ છે. આર્મી ચીફને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા, આથી પાકિસ્તાનના લોકોને એવું લાગે છે કે યુદ્ધમાં તેમની જીત થઇ છે, તેથી જ તો અસીમ મુનીરને બઢતી આપવામાં આવી હશે.
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે પાકિસ્તાનની સ્ટ્રેટેજીનો ભારતીય સેનાએ પોતાની રીતે જવાબ આપ્યો. તેણે જનતા સુધી પોતાનો સંદેશ પહોંચાડવા માટે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોનો ઉપયોગ કર્યો.
આ પણ વાંચો…આર્મી ચીફે ‘ઓપરેશન સિંદૂર’ને શતરંજની રમત ગણાવી, અનેક રહસ્યો ઉજાગર કર્યા, જાણો શું કહ્યું?