કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન: ગૃહ પ્રધાન જી. પરમેશ્વરનો CM પદની રેસમાં હોવાનો સંકેત…

બેંગલુરુઃ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન અને દલિત મુખ્ય પ્રધાનની માંગ વચ્ચે પોતે પણ મુખ્ય પ્રધાન બનવાની રેસમાં હોવાનો કર્ણાટકના ગૃહ પ્રધાન જી પરમેશ્વરે સંકેત આપ્યો હતો. જો કે મુખ્ય પ્રધાન બદલવાના મુદ્દે પક્ષની અંદર મૂંઝવણના અહેવાલોને ઓછું મહત્વ આપવાનો પ્રયાસ કરતાં તેમણે કહ્યું કે કોંગ્રેસ હાઇકમાન્ડમાંથી કોઇએ પણ આ બાબતે અત્યાર સુધી વાત કરી નથી અને ન તો કોંગ્રેસ વિધાનસભા પાર્ટીમાં આ અંગે ચર્ચા થઇ છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ વધુમાં જણાવ્યું કે જો જરૂર પડી તો એઆઇસીસી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના ટોચના નેતા રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા પછી નેતૃત્વ પરિવર્તન અંગે નિર્ણય લેશે, જેઓ હાલમાં વિદેશમાં છે.
કોંગ્રેસ સરકાર નવેમ્બરમાં તેના પાંચ વર્ષના કાર્યકાળના અડધા રસ્તે પહોંચ્યા બાદ રાજ્યમાં મુખ્ય પ્રધાન પરિવર્તન અંગે અટકળો ચાલી રહી છે. જેને કેટલાક લોકો નવેમ્બર ક્રાંતિ કહી રહ્યા છે, જેમાં ૨૦૨૩માં સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર વચ્ચે થયેલા કથિત સત્તા-વહેંચણી કરારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારે ૨૦ નવેમ્બરના રોજ સત્તામાં ૨.૫ વર્ષ પૂર્ણ કર્યા છે.
શું તેઓ મુખ્ય પ્રધાનની રેસમાં છે એ પ્રશ્નના જવાબમાં પરમેશ્વરે કહ્યું કે હું હંમેશા રેસમાં રહું છું, તે કોઇ મોટો મુદ્દો નથી. હું ૨૦૧૩માં પ્રદેશ કોંગ્રેસ સમિતિનો પ્રમુખ હતો. અમે કોંગ્રેસ સરકારને(૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં) સત્તામાં લાવ્યા હતા. મેં ક્યારેય એકલા તેનો શ્રેય લીધો નથી. હું તે ચૂંટણી હારી ગયો હતો. મને ખબર નથી કે જો હું જીતી ગયો હોત તો શું થયું હોત.
તેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે હું તે સમયે રેસમાં હતો. સ્વાભાવિક છે કારણ કે કોંગ્રેસ પાર્ટીમાં એક પરંપરા છે જ્યાં પીસીસી પ્રમુખને અનેક વાર(સીએમ બનવાની) તક આપવામાં આવે છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તેનું પાલન કરવામાં આવતું નથી.



