ડીપફેક વીડિઓ બનાવી વૃદ્ધ સાથે હજારો રૂપિયાની છેતરપિંડી, જાણો શું છે પૂરો મામલો
ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી પણ હવે ડીપફેક વીડિયોનો એક મામલો સામે આવ્યો છે. ગાઝિયાબાદમાં એક નિવૃત થયેલા વૃદ્ધને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ વડે ડીપફેક વિડિયો બનાવી છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. લૂટેરાઓએ ડીપફેક વીડિયો બનાવી વૃદ્ધને બ્લેકમેલ કરી તેમની પાસેથી હજારો રૂપિયા પડાવી લેવાની ઘટના બની છે.
આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ વડે ઉત્તર પ્રદેશના એક રિટાયર્ડ પોલીસ અધિકારીના ચહેરા વાળો ડીપફેક વિડિયો બનાવી 74 વર્ષના વૃદ્ધને ફોન કરી તેમને ધમકી આપવામાં આવી હતી કે જો તે પૈસા નહીં આપશે તો તેમની સામે ખોટી ફરિયાદ નોંધી તેમને જેલમાં મોકલવામાં આવશે.
આ છેતરપિંડીનો ભોગ બનેલા વૃદ્ધની દીકરીએ જણાવ્યુ હતું કે તેના પિતાને ફેસબુક પણ એક ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી અને રિકવેસ્ટ એકસેપ્ટ કર્યા બાદ ફોન આવવાનું શરૂ થયું હતું. એક દિવસે વ્યક્તિએ વીડિઓ કોલ કરી જણાવ્યુ કે તે દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાંથી વાત કરી રહ્યો છે, તમે એક મહિલા સાથે અશ્લીલ હરકત કરી હતી જેથી તેણે આપઘાત કર્યો છે. આ મામલે તપાસ ચાલી રહ્યો છે. વીડિઓ કોલ પર આ વાત સાંભળી પીડિત વૃદ્ધ ઘબરાઈ ગયા હતા અને ત્યારબાદ આરોપીએ તેમને ફરી ફોન કરી રકમ ચૂકવવાની વાત કરી હતી.
વૃદ્ધએ આ જાળમાં ફસાઈને આરોપીને 74 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા તેમ છતાં બ્લેકમેલિંગ કરતાં ફોન શરૂ હતા. આખરે આ મામલે વૃદ્ધએ કંટાળીને આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. વૃદ્ધની દીકરીએ આ મામલે પોલીસ પાસે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ડીપફેક વીડિઓને તાબામાં લઈ લીધો છે અને આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આગળ વધારી છે.