ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીના દયાલપુરમાં મોડી રાતે ચાર માળની ઇમારત ધરાશાયી! 4 લોકોના મોત, 18નો આબાદ બચાવ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ દયાલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા શક્તિ વિહાર વિસ્તારમાં ચાર માળની એક ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ ઈમારત નીચે 12 થી પણ વધારે લોકો દટાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એટલું જ નહીં પરંતુ ચાર લોકોનું મોત થયું હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.

આ દુર્ઘટનામાં કુલ ચાર લોકોના મોત થયા

આ ઘટના અંગે વિગતો આપતા એડિશનલ ડીસીપી સંદીપ લાંભાએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં ચાંદની, રેશમા, દાનિશ અને નાવેદ નામના ચાર લોકોના મોત થયા છે. બચાવ કાર્યમાં 18 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 14 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકાઓ છે. તેમને શોધવાની કામગીરી હજી ચાલી રહી છે.

2:50 વાગ્યે એક ઘર ધરાશાયી થવાનો કોલ આવ્યો હતોઃ ફાયર વિભાગ

સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ પોલીસ અને દિલ્હી ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરી હતી. દિલ્હી ફાયર સર્વિસના એક કર્મચારીએ જણાવ્યું કે, અમને લગભગ 2:50 વાગ્યે એક ઘર ધરાશાયી થવાની માહિતી મળી હતી. પરંતુ જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી અને લોકો કાટમાળ નીચે ફસાયેલા હતા. આ લોકોને બચાવવા માટેની કામગીરી સત્વરે શરૂ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: દિલ્હીમાં સુનાવણી દરમિયાન જ કોર્ટરૂમ બની ગયું સમરાંગણ; જુઓ VIDEO

NDRF, દિલ્હી ફાયર સર્વિસ લોકોને બચાવવા માટે કાર્યરત

નોંધનીય છે કે, ઇમારત ધરાશાયી થયાની જાણ થતાની સાથે NDRF, ડોગ સ્ક્વોડ, દિલ્હી પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ટીમોએ સત્વરે રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલી છે. સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં ટીમને મદદ કરી રહ્યા છે. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે ઇમારત જૂની કે જર્જરિત નહોતી પણ સારી સ્થિતિમાં હતી, પરંતુ પ્લોટ ‘L’ આકારમાં હતો જે સંભવતઃ ઇમારત ધરાશાયી થવાનું કારણ હોઈ શકે છે. પરંતુ તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. અત્યારે તો બચાવ કાર્યચાલી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button