દેશને એકસાથે મળશે ચાર વંદે ભારત ટ્રેનની ભેટ, શનિવારે પીએમ મોદી આપશે લીલીઝંડી, ચેક કરી લો રુટ

નવી દિલ્હી: ભારતીય રેલવેમાં વંદે ભારત એક્સપ્રેસે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. વંદે ભારત એક્સપ્રેસ આજે અનેક સ્થળોને જોડી રહી છે તથા મુસાફરોને ઝડપથી પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડી રહી છે. હવે આ ટ્રેન ધાર્મિક પર્યટન અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવાની દિશામાં પણ આગળ વધવા જઈ રહી છે. કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 નવેમ્બરના શનિવારના સવારે 8:15 વાગ્યે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાંથી દેશને 4 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની ભેટ આપવા જઈ રહ્યા છે ત્યારે આ નવી ટ્રેનો કઈ કઈ છે અને કયા રાજ્યોને જોડશે એની વિગતે વાત કરીએ.
નવી વંદે ભારત ટ્રેન અને તેના લાભ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચાર રૂટ પર નવી વંદે ભારત એક્સ્પ્રેસને લીલી ઝંડી બતાવવાના છે. જેમાં વારાણસી – ખજુરાહો, લખનઉ – સહારનપુર, ફિરોઝપુર – દિલ્હી, એર્નાકુલમ – બેંગલુરુનો સમાવેશ થાય છે.
વંદે ભારત એક્સપ્રેસ વારાણસીથી ખજુરાહો પહોંચવામાં 2 કલાક 40 મિનિટનો સમય લેશે. જેનાથી વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ અને ખજુરાહો જેવા ધાર્મિક-સાંસ્કૃતિક સ્થળોને જોડાશે. લખનઉ અને સહારનપુર વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ 7 કલાક 45 મિનિટનો સમય લેશે. આ ટ્રેન મુસાફરોનો એક કલાકની મુસાફરી ઓછી કરી દેશે. આ વંદે ભારત એક્સપ્રેસથી લખનઉ, સીતાપુર, શાહજહાંપુર, બરેલી, મુરાદાબાદ, બિજનૌર અને સહારનપુરના મુસાફરોને ફાયદો થશે. સાથોસાથ હરિદ્વાર પહોંચવા ઈચ્છતા મુસાફરોને સરળતા રહેશે.
પંજાબના મહત્ત્વના શહેરોને જોડી લેશે
ફિરોઝપુરથી દિલ્હી વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ 6 કલાક 40 મિનિટનો સમય લેશે. જોકે, આ ટ્રેન ફિરોઝપુર-દિલ્હી રૂટની સૌથી ઝડપી ટ્રેન હશે. આ ટ્રેન પંજાબના મુખ્ય શહેરો જેવા કે ફિરોઝપુર, ભટિંડા, પટિયાલાનું અને રાષ્ટ્રીય રાજધાની સાથે જોડાણ મજબૂત કરશે.
આ સિવાય એર્નાકુલમ – બેંગલુરુ રૂટ પરની વંદે ભારત એક્સપ્રેસ 8 કલાક 40 મિનિટનો સમય લેશે. જોકે, આ ટ્રેન અન્ય ટ્રેન કરતા 2 કલાક જલદી પહોંચાડશે. જે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના મુખ્ય IT અને વ્યાપારી કેન્દ્રોને જોડશે. આ વંદે ભારત એક્સપ્રેસથી વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓની મુસાફરીના સમયની બચત થશે.
દેશ માટે વંદે ભારતનું મહત્વ
ઉલ્લેખનીય છે કે, નવી વંદે ભારત ટ્રેનો દેશભરમાં આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજિત કરવા માટે તૈયાર છે. વારાણસી-ખજુરાહો રૂટ ધાર્મિક પર્યટનને મોટો વેગ આપશે. એર્નાકુલમ-બેંગલુરુ રૂટ દક્ષિણ ભારતમાં આર્થિક પ્રવૃત્તિ અને પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપશે. આ ટ્રેનો શરૂ થવાથી મુસાફરોને ઝડપી અને વધુ આરામદાયક મુસાફરીના વિકલ્પો મળશે.



