પંજાબના પૂર્વ ડીજીપી પર દીકરાની હત્યાનો કેસઃ પુત્રવધૂ સાથે ‘અનૈતિક સંબંધ’ હોવાનો આરોપ | મુંબઈ સમાચાર
નેશનલ

પંજાબના પૂર્વ ડીજીપી પર દીકરાની હત્યાનો કેસઃ પુત્રવધૂ સાથે ‘અનૈતિક સંબંધ’ હોવાનો આરોપ

ચંડીગઢઃ પંજાબના ભૂતપૂર્વ ડીજીપી મોહમ્મદ મુસ્તફાના પુત્ર અકીલ અખ્તરના મૃત્યુ મામલે પંચકુલા પોલીસે ભૂતપૂર્વ ડીજીપી, તેમની પત્ની અને ભૂતપૂર્વ મંત્રી રઝિયા સુલતાના અને મૃતકની પત્ની અને બહેન વિરુદ્ધ હત્યા અને કાવતરાનો કેસ નોંધ્યો છે. વકીલ અકીલ અખ્તરનું 16 ઓક્ટોબરના મોડી રાત્રે પંચકુલા સ્થિત તેમના નિવાસસ્થાને મૃત્યું થયું હતું.

પરિવારે શરૂઆતમાં દાવો કર્યો હતો કે મૃત્યુ ડ્રગ્સના ઓવરડોઝને કારણે થયું હતું. અકીલના મૃત્યુ પછી 27 ઓગસ્ટનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે દાવો કરે છે કે પરિવારના સભ્યો તેની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. આ વીડિયોમાં તેણે તેના પિતા મોહમ્મદ મુસ્તફા અને તેની પત્ની વચ્ચે “‘અનૈતિક સંબંધ”નો પણ ઉલ્લેખ કર્યો હતો.

વીડિયોમાં અકીલે આરોપ લગાવ્યો હતો કે તેના પિતા અને તેની પત્ની વચ્ચે અનૈતિક સંબંધ હતા. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેની માતા (રઝિયા સુલતાના) અને બહેન નિશાત અખ્તર સહિત તેનો આખો પરિવાર તેને મારી નાખવા અથવા ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું ઘડી રહ્યો હતો.

આપણ વાંચો: દિવાળીની રાત્રે લોહિયાળ ઝઘડો: વાંકાનેરમાં મિત્રનો વિવાદ પતાવવા ગયેલા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

મલેરકોટલાના રહેવાસી શમસુદ્દીન ચૌધરીની ફરિયાદ બાદ પંચકુલા પોલીસે એમડીસી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. પંચકુલા પોલીસે આ મામલે એસઆઈટીની રચના કરી છે. માહિતી અનુસાર, ફરિયાદી શમસુદ્દીન ચૌધરીએ પંચકુલા પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપી હતી.

તેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે અકીલ અખ્તરનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હતું અને પરિવારના સભ્યો સંડોવાયેલા હોઈ શકે છે. 20 ઓક્ટોબરના કલમ 103 (1) અને 61 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, શમસુદ્દીને ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે અખ્તરનું મૃત્યુ “શંકાસ્પદ સંજોગોમાં” થયું છે.

પંચકુલાના ડીસીપી સૃષ્ટિ ગુપ્તાના જણાવ્યા અનુસાર, 16 ઓક્ટોબરના રોજ પંચકુલાના એમડીસીના સેક્ટર 4 ના રહેવાસી અખ્તર તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પરિવારે પોલીસને જાણ કરી અને કહ્યું કે જ્યારે તેઓએ રૂમ ખોલ્યો ત્યારે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.

આપણ વાંચો: અમદાવાદમાં પત્નિને સહકર્મચારી સાથે જોઈને ઉશ્કેરાયેલા યુવકે હત્યા કરી નાંખી

આ કેસમાં ફરિયાદીએ ઓગસ્ટમાં અખ્તર દ્વારા રેકોર્ડ કરાયેલા કથિત વીડિયોનો અહેવાલ આપ્યો છે જેમાં તેણે તેના પિતા અને પરિવારના અન્ય સભ્યો સામે ગંભીર આરોપો લગાવ્યા છે. 1985 બેચના નિવૃત્ત આઈપીએસ અધિકારી મુસ્તફાએ પંજાબ માનવ અધિકાર આયોગના ડીજીપી તરીકે સેવા આપી હતી, જ્યારે તેમની પત્ની પંજાબમાં અગાઉની કોંગ્રેસ સરકારમાં મંત્રી હતી.

મુસ્તફા કે તેમની પત્નીનો તાત્કાલિક સંપર્ક થઈ શક્યો ન હતો. પરિવારને લગતી બાબતોનો ઉલ્લેખ કરતા અખ્તરે કથિત વીડિયોમાં કહ્યું હતું કે આ કારણે તે ઘણા તણાવ અને માનસિક આઘાતમાંથી પસાર થઈ રહ્યો હતો. તે વીડિયોમાં કહી રહ્યો છે કે “મને લાગે છે કે તેઓ મને ખોટા કેસમાં ફસાવશે. તેમની યોજના મને ખોટી રીતે કેદ કરવાની અથવા તો મારી નાખવાની છે, પરંતુ તે પોતાની વાત મનાવવામાં અસમર્થ છે.

તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમના પરિવારના સભ્યો તેમને વારંવાર કહેતા હતા કે તે ભ્રમમાં છે અને ભ્રમિત છે. “તેઓ ખોટી વાર્તા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન, કેસની તાત્કાલિક તપાસની માંગ કરતા ફરિયાદી શમસુદ્દીને આરોપ લગાવ્યો કે મૃતક અને તેના પરિવાર વચ્ચે “અસંતોષ” હતો.

આપણ વાંચો: જૂનાગઢમાં દિવાળીની રાત્રે ફટાકડાના વિવાદમાં યુવકની હત્યા, ત્રણની ધરપકડ

ફરિયાદીએ ઉલ્લેખ કર્યો કે મૃતકે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે પરિવાર સંબંધિત બાબતોને લગતા ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે આરોપ લગાવ્યો હતો કે “27 ઓગસ્ટના રોજ અકીલ અખ્તરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેણે તેના પિતા અને તેની પોતાની પત્ની સામે ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા હતા,” અખ્તરે સ્પષ્ટપણે આશંકા વ્યક્ત કરી હતી કે તેના જીવને જોખમ છે.

જોકે, તાજેતરના એક કથિત વીડિયોમાં અખ્તરે કહ્યું હતું કે, “મેં અગાઉ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં મેં ઘણી બધી વાતો કહી હતી. તે મારી માનસિક બીમારીના કારણે હતું. મને આટલો સારો પરિવાર મળ્યો છે.” પોલીસ ફરિયાદમાં શમસુદ્દીને કહ્યું હતું કે “તેના (અખ્તરના) પહેલાના વીડિયો નિવેદન અને તેમાં કરવામાં આવેલા ગંભીર આરોપોને ધ્યાનમાં રાખીને મૃત્યુનું કારણની સંપૂર્ણ, ન્યાયી અને નિષ્પક્ષ તપાસની જરૂર છે,”

ડીસીપી ગુપ્તાએ કહ્યું હતું કે, “શરૂઆતમાં કોઈ શંકા નહોતી અને પોસ્ટમોર્ટમ તપાસ પછી મૃતદેહને અંતિમ સંસ્કાર માટે પરિવારને સોંપવામાં આવ્યો હતો.” ત્યારબાદ, હરિયાણા પોલીસના નિવેદન મુજબ, મૃતક દ્વારા કથિત રીતે બનાવેલી કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને વીડિયો સામે આવ્યા, જેમાં વ્યક્તિગત વિવાદો અને તેમના જીવને જોખમ હોવાની આશંકાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

ડીસીપીએ જણાવ્યું હતું કે ફરિયાદ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સને ધ્યાનમાં રાખીને 20 ઓક્ટોબરના રોજ કલમ 103(1), 61 બીએનએસ હેઠળ પંચકુલાના પોલીસ સ્ટેશન એમડીસી ખાતે એફઆઈઆર નોંધવામાં આવી છે. એસીપી રેન્કના અધિકારીની દેખરેખ હેઠળ એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે. એસઆઈટી કેસના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક અને વૈજ્ઞાનિક તપાસ કરશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button