પંજાબના પૂર્વ CM બિઅંત સિંહના પૌત્ર અને સાંસદ રવનીત બિટ્ટુએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, ભાજપમાં જોડાયા
લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓમાં પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે, ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના નેતાઓ લોકસભાની ટિકિટ કે અન્ય લાલચથી પક્ષપલટો કરી રહ્યા છે. આજે પંજાબમાં કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ સીએમ બિયંતસિંહના પૌત્ર રવનીત બિટ્ટૂ ભાજપમાં જોડાઈ જતા પંજાબના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો હતો. પંજાબમાં રવનીત બિટ્ટૂ જેવા કદાવર નેતાએ છેડો ફાંડતા કોંગ્રેસ પાર્ટીને જબરદસ્ત ફટકો પડ્યો છે.
મળતી જાણકારી મુજબ પંજાબના પૂર્વ સીએમ બિઅંત સિંહના પૌત્ર રવનીત બિટ્ટુ ભાજપમાં જોડાઈ ગયા છે. રવનીત બિટ્ટુ હાલમાં લુધિયાણાના સાંસદ છે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા હતા. ભાજપના અગ્રણી નેતા વિનોદ તાવડેએ મંગળવારે સાંજે દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટરમાં પાર્ટીના સભ્ય તરીકે રવનીત બિટ્ટુનું સ્વાગત કર્યું અને કેસરીયો ખેસ પહેરાવી તથા પુષ્પગુચ્છ આપી પાર્ટીમાં આવકાર્યા હતા.
આપણ વાંચો: ખેડૂત આંદોલન વચ્ચે પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિન્દર PM મોદીને મળ્યા, જાણો શું વાત થઈ?
ભાજપમાં જોડાયા બાદ રવનીત બિટ્ટુએ કહ્યું કે ‘જ્યારે પણ મેં પંજાબનો કોઈ મુદ્દો ઉઠાવ્યો ત્યારે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હંમેશા તેને હકારાત્મક રીતે લેતા હતા. અમે પંજાબને આગળ લઈ જવા માંગીએ છીએ… જ્યારે દેશને ફાયદો થઈ રહ્યો છે તો પંજાબ શા માટે પાછળ રહે? આ દરમિયાન તેમણે પંજાબના ગુરદાસપુરથી બીજેપી સાંસદ અને અભિનેતા સની દેઓલ પર પણ નિશાન સાધ્યું હતું, અને કહ્યું કે કેટલાક પ્રતિનિધિઓના કારણે પાર્ટીને નુકશાન થયું છે.’
ઉલ્લેખનિય છે કે રવનીત બિટ્ટુની ગણતરી પંજાબ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં થતી હતી, તેઓ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2009માં આનંદપુર સાહિબ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી, 2014 અને 2019 ની લોકસભા ચૂંટણીમાં તેણે પ્રચંડ જીત મેળવી હતી.