‘40 વર્ષ જૂના વિમાનો ઉડે પણ….’ દિલ્હીમાં ફયુલ પ્રતિબંધ અંગે ભૂતપૂર્વ IAF પાઇલટના સવાલો

મુંબઈ: દિલ્હીમાં વાયુ પ્રદુષણ ઘટાડવાના હેતુથી કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો અને 10 વર્ષથી જુના ડીઝલ વાહનોના રિફ્યુઅલિંગ પર પ્રતિબંધ મૂકવાની પોલિસી (Refueling ban on vehicle in Delhi) લાગુ કરતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જનાક્રોશને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે હાલ પુરતો આ પોલિસીનો અમલ સ્થગિત રાખવા CAQMને વિનંતી કરી છે. એવામાં ભારતીય વાયુસેના(IAF)ના ભૂતપૂર્વ પાઇલટે આ પોલિસી બાબતે સરકારની ટીકા કરી છે અને સાથે અન્ય કેટલાક ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
IAFના ભૂતપૂર્વ પાઇલટ સંજીવ કપૂરે સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવ્યો કે જાહેર પરિવહન માટે ઉપયોગમાં લેવાતા વાહનો વર્ષો જુના છે, ત્યારે ખાનગી વાહનો સામે જ આવી કાર્યવાહી કેમ કરવામાં આવી રહી છે?
વર્ષો જુના એરક્રાફ્ટ ઉડે છે:
સંજીવ કપૂરે X પરની એક પોસ્ટમાં લખ્યું, “આપણા દેશમાં હજુ પણ 40 વર્ષથી વધુ જૂના એરક્રાફ્ટ ઉડે છે અને આપણી ઘણી ટ્રેનો, બસો, બોટ, ફેરી અને રોજિંદા ઉપયોગમાં લેવાતા કમર્શિયલ પ્લેન્સ ત્રણ દાયકાથી વધુ જૂના છે, તો પછી ફક્ત ખાનગી વાહનો પર જ પ્રતિબંધો કેમ લાદવામાં આવી રહ્યા છે?”
તેમણે વાહનોના રિફ્યુઅલિંગ પર પ્રતિબંધને કારણે સંભવિત પ્રતિકુળ અસરો અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે લખ્યું, “ગેસ સ્ટેશનો પર હવે ફયુલ ઉપલબ્ધ ન હોવાથી, ફક્ત એક પેરેલલ ઇકોસિસ્ટમ ઉભી થશે, જે ન તો ટકાઉ છે અને ન તો ઇચ્છનીય છે. આ મારો મત છે,”
દિલ્હીના પર્યાવરણ પ્રધાન મનજિન્દર સિંહ સિરસાએ પત્રકારોને જણાવ્યું હતું કે ‘ટેક્નોલોજીકલ પડકારો અને જટિલ સિસ્ટમ’ને કારણે આવા ફ્યુલ પ્રતિબંધનો અમલ કરવો પડકારજનક છે.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનો વિવાદ વકર્યો, સુશિલ કેડિયાએ રાજ ઠાકરેને પડકાર ફેંક્યો