ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રાલયનો ખુલાસો: 65 વર્ષ જૂની સિંધુ જળસંધિનું પાલન એ ભારતની સહનશીલતા

નવી દિલ્હી: ઓપરેશન સિંદૂરના બીજા દિવસે વિદેશ મંત્રાલયે દેશ સમક્ષ વિગતો રજૂ કરી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પાકિસ્તાનના ઘણા મુદ્દાઓ પર ભારતના વલણ અંગે જાણકારી આપી હતી.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પાકિસ્તાને ક્યારેય સિંધુ જળ સંધિનું યોગ્ય રીતે પાલન કર્યું નથી અને હંમેશા તેમાં અવરોધો ઊભા કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતનો પ્રતિસાદ સંપૂર્ણપણે સંયમિત છે અને ભારત આ મામલાને વધુ વધારવા માંગતું નથી. ભારતીય સેના દ્વારા તમામ લક્ષ્યાંકો ખૂબ જ ચોક્કસાઈથી નિશાન બનાવવામાં આવ્યા હતા.
આપણ વાંચો: કૈલાશ માનસરોવર યાત્રા માટે આવ્યા સારા સમાચાર; વિદેશ મંત્રાલયે આપી મોટી અપડેટ
પાકિસ્તાનનો ક્યારેય સહયોગ નથી રહ્યો
વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ભારતે સિંધુ જળ સંધિમાં જરૂરી સુધારાઓ માટે પાકિસ્તાનને ઘણી વખત નોટિસ મોકલી છે. પરંતુ પાકિસ્તાન આ મુદ્દે વધુ ચિંતિત દેખાયું નથી. ભારતે હંમેશા સિંધુ સમજૂતીનું સન્માન કર્યું છે.
65 વર્ષ જૂની આ સંધિનું પાલન કરવું એ ભારતની સહનશીલતા દર્શાવે છે. પાકિસ્તાને આ સંધિ પર ક્યારેય સહયોગ કર્યો નથી. જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે પણ ભારતે તેનું સન્માન જાળવી રાખ્યું હતું. પરંતુ, પાકિસ્તાને હંમેશા કાયદાકીય અને અન્ય રીતે અડચણો ઊભી કરી છે.’
આપણ વાંચો: લોકસભા ચૂંટણીમાં US Funding ના દાવાએ વિવાદ સર્જ્યો, વિદેશ મંત્રાલયે આપી આ પ્રતિક્રિયા
પાકિસ્તાન અંગે મહત્વની માહિતી
વિક્રમ મિસરીએ પહેલગામ હુમલા અંગે પાકિસ્તાનની તપાસ સમિતિની વાતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાનનો ભૂતકાળ તેના ઈરાદાઓ સ્પષ્ટ કરે છે.
મુંબઈ અને પઠાણકોટ હુમલા સહિત અનેક આતંકવાદી હુમલાઓમાં ભારતે પાકિસ્તાનને ઘણા પુરાવા આપ્યા છે અને તેના માસ્ટરમાઇન્ડને ન્યાયના કઠેડામાં લાવવાની માંગ કરી છે, પરંતુ પાકિસ્તાને ક્યારેય કોઈ કાર્યવાહી કરી નથી. આ નિવેદનો ઓપરેશન સિંદૂર બાદ ભારતની સ્પષ્ટ અને મક્કમ નીતિને દર્શાવે છે.