વિશ્વના અબજોપતિઓ ક્યાં રહે છે? વિશ્વના સૌથી ધનિક શહેરોમાં ભારતનું સ્થાન!
યુએસનું આ શહેર નંબર વન પર છે, તો ભારત પણ પાછળ નથી

ન્યૂ યોર્કઃ વિશ્વમાં અમીરોની સંખ્યા વધી રહી છે અને વૈશ્વિકસ્તરે ફક્ત અબજોપતિઓની સંખ્યા હવે 3000ને વટાવી ગઈ છે. ફોર્બ્સે વર્ષ 2025માં વિશ્વના અબજોપતિઓની યાદી અને સૌથી વધુ અબજોપતિઓ ધરાવતા શહેરોની યાદી જાહેર કરી છે, જેને જોયા બાદ, આપણને ખબર પડે છે કે વિશ્વના તમામ અબજોપતિઓમાંથી એક ચતુર્થાંશ માત્ર 10 શહેરોમાં રહે છે. અમેરિકા ટોપ 10માં ટોચનું સ્થાન ધરાવે છે, જ્યારે ભારતનું એક શહેર પણ તેમાં સામેલ છે. ચાલો જાણીએ સૌથી ધનિક લોકોના સૌથી પ્રિય શહેરો વિશે.
ફોર્બ્સના અહેવાલ મુજબ વિશ્વના 3,028 અબજોપતિમાંથી એક ચતુર્થાંશ છ દેશના 10 શહેરોમાં રહે છે, જે તેમના મજબૂત બિઝનેસ ઇકો-સિસ્ટમ, મૈત્રીપૂર્ણ રોકાણ નીતિઓ અને સમૃદ્ધ ઉદ્યોગોને કારણે ભંડોળ આકર્ષવામાં મોખરે છે. જો આપણે 2025ની વિશ્વના અબજોપતિઓની યાદી પર નજર કરીએ તો અમેરિકાનું ન્યૂ યોર્ક શહેર સૌથી વધુ અબજોપતિઓ ધરાવતા શહેરોની યાદીમાં ટોચ પર છે અને કુલ 123 અબજોપતિઓ અહીં રહે છે, જેમની કુલ સંપત્તિ 759 અબજ ડોલરની છે.
આ પણ વાંચો: Mukesh Ambani અને Gautam Adaniએ ઉડાડી દુનિયાના અબજોપતિઓની ઉંઘ…
અમેરિકા લાંબા સમયથી અબજોપતિઓનો ગઢ રહ્યો છે અને તેનું ન્યૂ યોર્ક શહેર છેલ્લા 12 વર્ષથી આ યાદીમાં ટોચ પર છે. ન્યૂ યોર્કમાં રહેતા મોટા ભાગના અબજોપતિઓ ફાઇનાન્સ, રિયલ એસ્ટેટ અને રિટેલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે, વર્ષ 2021માં કેટલાક સમય માટે ચીનનું બીજિંગ શહેર આગળ હતું.
આ યાદીમાં ભારતીય શહેર મુંબઈએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, જોકે તેનું રેન્કિંગ ચોક્કસપણે ઘટ્યું છે. ગયા વર્ષે તે ચોથા સ્થાને હતું, પરંતુ હવે તે બે સ્થાન નીચે સરકીને છઠ્ઠા સ્થાને આવી ગયું છે. મુંબઈમાં 67 અબજોપતિ રહે છે જેમની સંયુક્ત નેટવર્થ 349 અબજ ડોલરની છે અને તે ધનિકો માટે મનપસંદ શહેર તરીકે દિલ્હી અને બેંગલુરુ જેવા મોટા શહેરોથી આગળ છે.
આ પણ વાંચો: અબજોપતિ ફિલ્મસ્ટાર્સની તિજોરીની ચાવી છે આ ગુજરાતી પાસેઃ જાણો કોણ છે અને શું કરે છે
દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, જેમની કુલ સંપત્તિ 92.5 અબજ ડોલરની છે, તેઓ મુંબઈના અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. આ વર્ષે 2025માં મુંબઈમાંથી છ નવા અબજોપતિઓ સામેલ થયા છે અને તેમાંથી ચાર ફક્ત એક દોશી પરિવારના છે. આમાં વિરેન, કિરીટ, પંકજ અને હિતેશ દોશીનો સમાવેશ થાય છે, જેઓ ઊર્જા કંપની Waree ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે અને આ કંપની ગયા વર્ષે જ શેરબજારમાં લિસ્ટેડ થઈ હતી.
2025માં મોસ્કો શહેરમાં સૌથી વધુ નવા અબજોપતિઓ ઉમેરાયા હતા અને અહીં અબજોપતિઓની સંખ્યા 90 પર પહોંચી ગઈ છે અને તેમની કુલ સંપત્તિ 409 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. ચીનનું બીજિંગ 68 અબજોપતિઓ સાથે પાંચમા સ્થાને છે. બીજી તરફ, સિંગાપોરે તેના રેન્કિંગમાં સુધારો કર્યો છે અને નવમા સ્થાનથી સાતમા સ્થાને પહોંચી ગયું છે, જેમાં યાદીમાં 8 નવા અબજોપતિનો ઉમેરો થયો છે.