પૂર્વોત્તર રાજ્યોમાં પૂરનો પ્રકોપ યથાવતઃ આ રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી | મુંબઈ સમાચાર
નેશનલ

પૂર્વોત્તર રાજ્યોમાં પૂરનો પ્રકોપ યથાવતઃ આ રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી

દેશમાં ચોમાસુ શરૂ થઈ ચૂક્યું છે. ક્યાંક હળવો, ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી જેવા શહેરોમાં હળવા વરસાદના કારણે શહેરીજનોને ગરમીથી રાહત મળી છે. પરંતુ સેવન સિસ્ટર તરીકે ઓળખાતા પૂર્વોત્તર વિસ્તારના રાજ્યોમાં ભારે વરસાદ વરસ્યો છે. જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે.

ગત ત્રણ દિવસોથી પૂર્વોત્તર વિસ્તારના 6 રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પરિણામે પૂરની પરિસ્થિતિની સાથોસાથ કેટલીક જગ્યાએ ભૂસ્ખલન પણ થવા પામ્યું છે. જેથી આ વિસ્તારોમાં અત્યારસુધી 26 લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારે વરસાદે મણિપુરના અનેક શહેરોની હાલત બગાડી નાખી છે. ઈંફાલમાં ઠેરઠેર ચારેકોર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ત્રિપુરા, સિક્કિમ, આસામ અને નોર્થ ઈસ્ટના અન્ય વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગૃહમંત્રી અમિત શાહે પૂરથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને શક્ય હોય તેટલી મદદ કરવાની બાંહેધરી આપી હતી. પૂર્વોત્તર વિસ્તારોમાં હજુ આગામી પાંચ-સાત દિવસ આવો જ વરસાદ પડશે એવી હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, દિલ્હી, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આજે વરસાદની સંભાવના છે. રાજસ્થાનમાં 4 જૂન સુધી ભારે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તરપ્રદેશના લખનઉ અને કાનપુર સહિતના 14 જિલ્લાઓમાં વાવાઝોડાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમી વિક્ષોભ અને હવાના પ્રભાવના કારણે હવામાન બદલાઈ રહ્યું છે. જેથી આજથી વરસાદ શરૂ થાય એવી સંભાવના છે.

આ પણ વાંચો…દિલ્હી-NCR માં ધૂળની ડમરીઓ સાથે હળવા ઝાપટાં, વિમાન સેવા પ્રભાવિત

Back to top button