
મંડી: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ફિલ્મી સ્ટાઈલમાં લાકડાની તસ્કરી થતી હોવાની આંશિકાએ રાજ્યનું રાજકારણ ગરમાવ્યું છે. સૂત્રો જાણકારી પ્રમાણે મંડી જિલ્લામાં પંડોહ ડેમ ખાતે લાખો લાકડાં નદીમાં વહેતા જોવા મળ્યાં, જેનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ દૃશ્ય ફિલ્મ ‘પુષ્પા: દ રાઇઝ’ના એક સીન જેવું લાગે છે, જેમાં લાલ ચંદનની લાકડીઓની તસ્કરી થતી બતાવવામાં આવી હતી. આ ઘટના પર વિપક્ષે ગેરકાયદેસર લાકડાં કાપવાનો આરોપો લગાવ્યા છે.
24 જૂનના કુલ્લૂ અને આસપાસના વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આ ઘટના બાદ નદીઓમાં પૂર આવ્યા હતા. જ્યારે પંડોહ ડેમ આસપાસના નજીક નદીમાં પાણીના પ્રવાહ સાથે મોટી સંખ્યમાં લાકડા વહી આવ્યા હતા. નદીમાં તરતા લાકડાનો ફોટો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના બાદ વિપક્ષે આરોપ લગાવ્યો કે આ લાકડા તસ્કરી મોટો ભાગ હોઈ શકે છે, જે નદીના ભારે પ્રવાહમાં તણાંઈ આવ્યો છે. જ્યારે સરકારનું કહેવું છે કે આ પ્રાકૃતિક આફતના કારણે ઉખડેલાં વૃક્ષો હોઈ શકે.
રાજ્ય સરકારે આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી સુખવિંદર સુખ્ખુએ સીઆઈડીને તપાસ સોંપી છે. સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે આ લાકડા વાદળ ફાટવાથી ઉખડેલાં વૃક્ષોના હોઈ શકે, પરંતુ ગેરકાયદેસર લાકડા કાપવાની શક્યતાને નકારી શકાય નહીં. સીઆઈડી તપાસમાં લાકડાનો સ્ત્રોત, તેની માલિકી અને તસ્કરીની શક્યતા પર ધ્યાન કેન્દ્રિત કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
સરકારે ભારપૂર્વક જણાવ્યું કે આફતના સમયે લોકોની સુરક્ષા અને રાહત કાર્ય પ્રાથમિકતા છે, પરંતુ વાયરલ વીડિયોને ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવશે. વિપક્ષના રાજકીય આરોપોને સરકારે નકાર્યા. હવે સીઆઈડીની તપાસ પર બધાની નજર છે, જે આ રહસ્યનો પર્દાફાશ કરશે.