નેશનલ

દિલ્હીમાં ભયંકર વરસાદ સાથે કાશ્મીરમાં ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ; ઈન્ડિગોએ જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી

નવી દિલ્હી: દેશમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થાય તે પૂર્વે જ દેશનાં અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન રાજધાની દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં બુધવારે સાંજે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ધૂળની આંધી અને જોરદાર વરસાદ શરૂ થતા લોકોને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ભીષણ ગરમી અને બફારામાંથી રાહત મળી છે. જોકે, શ્રીનગરમાં ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોની એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.

ધૂળની આંધી સાથે ખાબક્યો વરસાદ

મળતી વિગતો અનુસાર દિલ્હી અને NCRના વિવિધ વિસ્તારોમાં ધૂળની આંધી સાથે ભારે પવન ફૂંકાયો હતો. આંધી અને વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. આજે ખાબકેલા કમોસમી વરસાદમાં ઘણી જગ્યાએ કરા પણ પડ્યા હોવાના અહેવાલ છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દિલ્હીમાં તોફાની પવનની ગતિ 78 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી. આ કારણે મંગળવારથી શરૂ થયેલી અને બુધવારે દિવસભર લોકોને પરેશાન કરતી ગરમી અને બફારાથી લોકોને મોટી રાહત મળી છે.

શ્રીનગરમાં ઈન્ડિગોની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં પણ હવામાનની અસર જોવા મળી હતી. ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોની ફ્લાઈટ 6E2142 નું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ સમયે ફ્લાઈટમાં 227 યાત્રીઓ સવાર હતા. પાઇલટે ખરાબ હવામાન અને કરા પડવાને કારણે કંટ્રોલ રૂમને ઇમરજન્સીની જાણ કરી હતી. ત્યારબાદ સાંજે 6.30 વાગ્યે ફ્લાઈટને શ્રીનગરમાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવી હતી. એરલાઇન દ્વારા ફ્લાઇટને AOG (Aircraft on Ground) જાહેર કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે, તમામ એરક્રૂ અને યાત્રીઓ સુરક્ષિત છે.

ઈન્ડિગોએ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી

દિલ્હી-NCR, ચંદીગઢ અને કોલકાતામાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ફ્લાઈટ શેડ્યૂલમાં થયેલા ફેરફારો અંગે ઈન્ડિગો એરલાઇન્સે એક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. એરલાઈન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ખરાબ હવામાનના કારણે તેમની ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. તેમણે પ્રવાસીઓને એરપોર્ટ જવા નીકળતા પહેલા તેમની વેબસાઇટ અથવા એપ્લિકેશન પર ફ્લાઇટનું સ્ટેટસ ચકાસી લેવા વિનંતી કરી છે. ઉપરાંત, પાણી ભરાવા અને ધીમા ટ્રાફિકને કારણે એરપોર્ટ પહોંચવામાં વધુ સમય લાગી શકે છે, તેથી મુસાફરી માટે પૂરતો વધારાનો સમય ફાળવવા પણ સૂચન કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button