હિમાચલમાં કુદરતનો પ્રકોપ: કુલ્લુમાં વાદળ ફાટવાથી ફ્લેશ ફ્લડ, જનજીવન અસ્તવ્યસ્ત

કુલ્લુ: ઉત્તર ભારતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને પહાડી રહ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગત અઠવાડિયે વાદળ ફાટવાથી પાંચ લોકોના મોત થયા છે 100થી વધુ લાપતા છે, બચાવ કાર્ય હજુ ચાલી રહ્યું છે. એવામાં ગઈ કાલે શુક્રવારે સાંજે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટ્યું (Cloud burst in Kullu) હતું, જેને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યું છે.
શુક્રવારે સાંજે લગભગ 5:35 વાગ્યે કુલ્લુ જિલાના જરી તાલુકાના શારોદ નાલામાં વાદળ ફાટવાની ઘટના બની હતી, જેના કારણે બાજુમાં આવેલા વિસ્તાર બારોગી નાલામાં અચાનક પાણી ફરી વળ્યું હતું. ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી(DDMA)એ જણાવ્યું છે કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
જનજીવનને માંથી અસર:
કુલ્લુ સિવાય હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ફ્લેશ ફ્લડની સ્થિતિ સર્જાઈ છે. અહેવાલ મુજબ રાજ્યમાં 357 રોડ્સ બ્લોક છે, 599 પાવર ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર બંધ છે અને 177 પાણી પુરવઠા સ્કિમને અસર પહોંચી છે.
આ વર્ષે હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં ચોમાસામાં 208 લોકોના મોત થઇ ચુક્યા છે, જેમાં 112 લોકોના મોત વરસાદને કારણે ભૂસ્ખલન, પૂર અને મકાન ધરાશાયી થવાને કારણે થયા છે. જ્યારે 90 થી વધુ લોકોના મોત માર્ગ અકસ્માતોને કારણે થયા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ હિમાચલ પ્રદેશમાં આગામી થોડા દિવસોમાં હજુ વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો…હિમાચલના ચંબામાં મોટી દુર્ઘટના, કાર ખીણમાં ખાબકતા છ લોકોના મોત
.