પૈસા લઈને મેચ ફિક્સિંગ કરે છે…. પીએમ મોદીએ કેમ આવું કહ્યું?

જયપુરઃ રાજસ્થાનમાં શનિવારે 25મી નવેમ્બરના વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે અને એટલે જ હવે ચૂંટણી પ્રચાર એકદમ અંતિમ તબક્કામાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં વિવિધ વિસ્તારોમાં ચૂંટણીની રેલીને સંબોધી હતી. આ રેલી દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આજે આખો દેશ વર્લ્ડકપના રંગે રંગાઈ ચૂક્યો છે ત્યારે પીએમ મોદીએ પણ પોતાના સંબોધનમાં ક્રિકેટની ભાષામાં વાત કરી હતી.
ઝૂંઝુનુમાં એક સાર્વજનિર રેલીને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એક સાર્વજિનર સંબોધનમાં મુખ્ય પ્રધાન અશોક ગહલોતે કબૂલ્યું હતું કે તેમના ઉમેદવારો અને વિધાનસભ્યોએ છેલ્લાં પાંચ વર્ષમાં કોઈ કામ નહોતું કર્યું. આવું એટલા માટે કારણે કે રાજસ્થાનમાં જાદુગર અને બાજીગરની રમત રમાઈ રહી હતી. જાદુગર ખુરશી બચાવવામાં વ્યસ્ત હતા, જ્યારે બાજીગર ખુરશી પાડવામાં વ્યસ્ત હતા. જે કોંગ્રેસે રાજસ્થાનને બરબાદ કરી નાખી શું એને પાછા સત્તામાં લાવવી જોઈએ?
ચુરુના તારાનગર ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુંકે ક્રિકેટમાં બેટ્સમેન આવે છે અને પોતાની ટીમ માટે રન બનાવે છે. પરંતુ કોંગ્રેસમાં અંદર જ એટલી ફાટફૂટ છે કે રન બનાવવાની વાત તો દૂર છે પણ આ લોકો તો એકબીજાને જ રન આઉટ કરવાના ચક્કરમાં વ્યસ્ત છે. કોંગ્રેસ સરકારના પાંચ વર્ષ એકબીજાને રન આઉટ કરવામાં જ પસાર થઈ ગયા છે. જે બાકી છે એ લોકો મહિલાઓ અને અન્ય મુદ્દાઓ પર વિવાદાસ્પદ નિવેદનો આપીને હિટ વિકેટ થઈ રહ્યા છે. બાકી જે રહી ગયા છે એ લોકો પૈસા લઈને, લાંચ લઈને મેચ ફિક્સિંગ કરે છે પણ કંઈ કામ કરતાં નથી.
પોતાના સંબોધનમાં આગળ તેમણે એવું પણ જણાવ્યું હતું કે જો તમે ભાજપને પસંદ કરશો તો અમે રાજસ્થાનમાં ભ્રષ્ટાચારીની ટીમને આઉટ કરી નાખશું. ભાજપ વિકાસનો ઝડપી સ્કોર બનાવશે અને જિત રાજસ્થાનની થશે, રાજસ્થાનના ભવિષ્યની થશે, જિત રાજસ્થાનની માતા-બહેનોની અને ખેડૂતોની થશે.