બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ: અહીં થયું રેકોર્ડબ્રેક 64.66 ટકા મતદાન

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે એટલે કે 6 નવેમ્બરને ગુરુવારે 18 જિલ્લાઓની 121 બેઠકો પર રેકોર્ડબ્રેક 64.66 ટકા મતદાન નોંધાયું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે 1951 પછી વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આ ઐતિહાસિક મતદાન કરવા બદલ બિહારના મતદારોને અભિનંદન આપ્યા હતા. આ તબક્કામાં કુલ 1314 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે.
બિહારના મુખ્ય જિલ્લાઓમાં નોંધાયેલ સરેરાશ મતદાન
પ્રથમ તબક્કાના મતદાનમાં મુઝફ્ફરપુરની બેઠકો પર સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં સૌથી વધુ મતદાન સમસ્તીપુરના સાકરામાં(75.35 ટકા) અને મુઝફ્ફરપુરના મીનાપુરમાં(73.29 ટકા) નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન પટનાના દિઘામાં(39.10 ટકા) તથા કુમ્હરાર(39.52 ટકા) નોંધાયું હતું.

વિવિધ જિલ્લાઓના સરેરાશ મતદાનની વાત કરીએ તો બિહારના પાટનગર પટનામાં સરેરાશ 55.02 ટકા મતદાન થયું હતું, જેમાં મોકામામાં 62.16 ટકા અને પટના સાહિબમાં 58.51 ટકા મતદાન નોંધાયું હતું. બેગુસરાયમાં સરેરાશ 67.32 ટકા મતદાન થયું હતું, જેમાં તેઘરા મતવિસ્તારમાં સૌથી વધુ 69.75 ટકા મતદાન થયું હતું. ભોજપુર જિલ્લામાં સૌથી ઓછું સરેરાશ 53.25 ટકા મતદાન નોંધાયું હતું, જેમાં સંદેશમાં 58.01 ટકા મતદાન થયું હતું.
આ પણ વાંચો: બિહારમાં મતદાન વચ્ચે છમકલું ! લખીસરાયમાં નાયબ મુખ્ય પ્રધાનના કાફલાને ઘેર્યો, ચપ્પલ ફેંકાઈ
બીજા તબક્કાના મતદાનની તૈયારી શરૂ
ઉલ્લેખનીય છે કે, 2020માં, આ જ 121 બેઠકો પર કુલ 55.81 ટકા મતદાન નોંધાયું હતું, જે દર્શાવે છે કે આ વર્ષે મતદાનમાં જબરદસ્ત વધારો થયો છે. જોકે, પ્રથમ તબક્કાના સફળ મતદાન બાદ હવે બીજા અને અંતિમ તબક્કાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 11 નવેમ્બરે 122 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન થશે. જ્યારે 14 નવેમ્બરે મતગણતરી થશે, જેમાં તમામ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.



