સમગ્ર દેશમાં ફટાકડા પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે! સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી ખળભળાટ

નવી દિલ્હી: પ્રદુષણને નિયંત્રણમાં લેવા સુપ્રીમ કોર્ટના આદેશ પર દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ફટાકડાના વેચાણ, સંગ્રહ, પરિવહન અને ઉત્પાદન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ આદેશ સામેની અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે ફટકડા પર પ્રતિબંધની પોલિસી દેશભરમાં લાગુ કરવામાં આવી (Firecracker ban in country) શકે છે. મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ કહ્યું માત્ર NCR જ નહીં દેશના દરેક શહેરના નાગરિકને શુદ્ધ હવામાં શ્વાસ લેવાનો અધિકાર છે. દિવાળી નજીક આવી રહી છે ત્યારે કોર્ટની આ ટીપ્પણી મહત્વની છે.
એક અરજીની સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈએ કહ્યું કે પ્રદૂષણ નિયંત્રણ નીતિ ફક્ત દિલ્હી માટે જ કેમ? ત્યાં દેશના ‘ભદ્ર વર્ગના નાગરિકો’ વસે છે એટલા માટે! આવું ના હોઈ શકે. સ્વચ્છ હવાનો અધિકાર ફક્ત દિલ્હી-એનસીઆરના નગરિકો માટે જ ન હોઈ શકે, પરંતુ દેશભરના નાગરિકોને આ અધિકાર છે.
આ પણ વાંચો: મલાડમાં ફટાકડાની દુકાનમાં આગ: કોઈ જાનહાનિ નહીં
ચીફ જસ્ટિસે કહ્યું, “હું ગયા શિયાળામાં અમૃતસરની મુલાકાતે ગયો હતો અને ત્યાં દિલ્હી કરતા પણ વધુ ખરાબ પ્રદૂષણ હતું. જો ફટાકડા પર પ્રતિબંધ મૂકવો હોય, આખા દેશમાં હોવો જોઈએ.”
કેસમાં એમિકસ ક્યુરી વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહે સુનાવણી દરમિયાન કહ્યું કે, “ભદ્ર વર્ગ પોતાની રીતે પ્રદુષણથી બચી જાય છે, જ્યારે પણ પ્રદૂષણ વધે છે, ત્યારે તેઓ દિલ્હીની બહાર જતાં રહે છે.”
સુપ્રીમ કોર્ટે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનને નોટિસ જારી કરી અને બે અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના લખનઉમાં ગેરકાયદે ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ, બે લોકોના મોત
એપ્રિલમાં કોર્ટે શું કહ્યું હતું?
સુપ્રીમ કોર્ટે 3 એપ્રિલ, 2025 ના રોજ આપેલા આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. એપ્રિલમાં સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવેલી સુનાવણી દરમિયાન ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનની બેન્ચે કહ્યું હતું કે દિલ્હીની વસ્તીનો એક મોટો હિસ્સો રસ્તા પર રહે છે અને પ્રદૂષણને કારણે તેમને સૌથી વધુ નુકશાન થાય છે. દરેક વ્યક્તિને પોતાના ઘરે કે કાર્યસ્થળ પર એર પ્યુરિફાયર વસાવવું પરવડી શકે નહીં.