MahaKumbh: મેળા વિસ્તારમાં ફરી આગ ભભૂકી; 1 મહિનામાં 5મી ઘટના

પ્રયાગરાજ: પ્રયાગરાજ (Prayagraj) ખાતે ચાલી રહેલા મહાકુંભમાં (Maha Kumbh) ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. મેળાના સેક્ટર 8માં આવેલા એક તંબુમાં આગ લાગી હતી, જેમાં ઘણા તંબુ બળીને રાખ થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાય નથી, પરંતુ આગને કારણે મોટું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડ અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
ગત શનિવારે પણ લાગી હતી આગ
15 ફેબ્રુઆરીના રોજ શનિવારે પણ મહા કુંભ મેળામાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. મેળાના સેક્ટર 18 અને 19 વચ્ચે શનિવારે અનેક પંડાલોમાં આગ લાગી ગઈ હતી. ઘટનાની વિગતો મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર નિયંત્રણ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આપણ વાંચો: Mahakumbh: ફરી મહાકુંભમાં લાગી આગ; ઘણા તંબુ બળીને થયા રાખ
મહાકુંભમાં આગની અનેક ઘટના
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાની અંદર મહાકુંભ વિસ્તારમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ નોંધાઈ છે. 19 જાન્યુઆરીના રોજ સેક્ટર 19માં ગીતા પ્રેસ કેમ્પમાં આગ લાગી હતી, જેમાં 180 કોટેજ બળીને ખાખ થઈ ગયા હતા. ત્યારબાદ 30 જાન્યુઆરીએ સેક્ટર 22 માં 15 તંબુ આગને કારણે બળી ગયા હતા. 7 ફેબ્રુઆરીના રોજ સેક્ટર-18માં શંકરાચાર્ય માર્ગ પર આગ લાગી હતી જેમાં 22 તંબુ બળી ગયા હતા.