
પ્રયાગરાજ: પ્રયાગરાજમાં (Prayagraj) ચાલી રહેલા મહા કુંભ મેળામાં (Maha Kumbh) આગ લાગવાની ઘટના સામે આવી છે. મેળાના સેક્ટર 18 અને 19 વચ્ચે શનિવારે અનેક પંડાલોમાં આગ લાગી ગઈ હતી. ઘટનાની વિગતો મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર નિયંત્રણ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
જૂના તંબુઓમાં લાગી આગ
પ્રયાગરાજ મેળા વિસ્તારમાં લાગેલી આગની ઘટના અંગે ડીઆઈજી મહાકુંભ વૈભવ કૃષ્ણાએ જણાવ્યું હતું કે, “આગ સંપૂર્ણપણે કાબૂમાં છે. સેક્ટર 19 માં કલ્પવાસીઓ દ્વારા ખાલી કરવામાં આવેલા કેટલાક જૂના તંબુઓમાં આગ લાગી હતી. કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.”
આપણ વાંચો: ઉત્તર પ્રદેશને મળ્યો 76મો જીલ્લો, ‘મહા કુંભ મેળા’ ને નવો જિલ્લો જાહેર કરાયો
9 ફેબ્રુઆરીના પણ લાગી હતી આગ
આ પહેલા 9 ફેબ્રુઆરીએ મહા કુંભ મેળામાં પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ત્યારે સેક્ટર 18 માં શંકરાચાર્ય માર્ગ પર સ્થિત એક પંડાલમાં આગ લાગી હતી. તે ઘટનામાં પણ ઘણા તંબુ બળીને રાખ થઈ ગયા હતા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબુ મેળવ્યો હતો.
જાન્યુઆરીમાં 30થી વધુ તંબુ બળી ગયા
મહાકુંભમાં આગ લાગવાની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ પૂર્વે 30 જાન્યુઆરીએ પણ સેક્ટર-22માં આગ લાગી હતી, જેમાં 15 તંબુ બળી ગયા હતા. આ ઉપરાંત, 19 જાન્યુઆરીએ સેક્ટર-19 માં આગ લાગવાની બીજી ઘટના ઘટી હતી, જેમાં 18 તંબુ બળીને રાખ થઈ ગયા હતા. જોકે, આ બધી ઘટનાઓમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને કોઈ પણ જાનહાનિ ટાળી દીધી.