ભારતના એવા નાણાં પ્રધાનો કે જેઓ ક્યારેય બજેટ નહીં રજૂ કરી શક્યા…
આવતીકાલે એટલે કે પહેલી ફેબ્રુઆરીના દિવસે ભારતનું બજેટ જાહેર કરવામાં આવે છે અને આ બજેટ ભારતના નાણા પ્રધાન દ્વારા જાહેર કરવામાં આવે છે, પણ શું તમને ખબર છે કે ભારતના ઈતિહાસમાં એવા નાણાં પ્રધાન એવા પણ છે કે જેઓ નાણાં પ્રધાન હોવા છતાં પણ બજેટ રજૂ કરી શક્યા નહોતા? ચાલો આજે તમને એવા નાણાં પ્રધાનો વિશે જણાવીએ…
પરંતુ એ પહેલાં ભારતનાં નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આવતીકાલે તેઓ વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નિર્મલા સિતારમણ આવતીકાલે બજેટ રજૂ કરીને એક વધુ વિક્રમ પોતાને નામે કરવા જઈ રહ્યા છે. આવતીકાલનું બજેટ રજૂ કરીને તેઓ દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈનો વિક્રમ તોડવા જઈ રહ્યા છે. મોરારજી દેસાઈએ સતત છ વખત બજેટ રજૂ કર્યું હતું. જોકે, મોરારજી દેસાઈના નામે સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે, તેમણે આઝાદ ભારતમાં 10 વખત બજેટ રજૂ કર્યા હતા.
હવે વાત કરીએ એવા નાણાં પ્રધાનોની કે જેઓ નાણાં પ્રધાન હોવા છતાં પણ ક્યારેય બજેટ રજૂ કરી શક્યા નહોતા. દેશમાં એવા ત્રણ નાણાં પ્રધાનો છે કે જેઓ બજેટ રજૂ કરી શક્યા નહોતા અને એમાં ક્ષિતિજ ચંદ્ર નિયોગી, હેમવતી નંદન બહુગુણા અને નારાયણ દત્ત તિવારીનો સમાવેશ થાય છે.
ક્ષિતિજ ચંદ્ર નિયોગીની વાત કરીએ તો તેઓ દેશના બીજા વડા પ્રધાન હતા, પણ તેઓ માત્ર 35 દિવસ જ પદ પર રહ્યા હતા, જેને કારણે તેઓ બજેટ રજૂ કરી શક્યા નહોતા. તેઓ દેશના પહેલાં વિત્ત આયોગના ચેરમેન પણ રહી ચૂક્યા હતા.
આગળ વધીએ અને વાત કરીએ હેમવતી નંદન બહુગુણાની. તેમની પરિસ્થિતિ પણ આવી જ રહી હતી. તેઓ ઈંદિરા ગાંધીની સરકારમા માત્ર સાડા પાંચ મહિના માટે નાણા પ્રધાન રહ્યા હતા અને તેઓ પણ બજેટ રજૂ કરી શક્યા નહોતા.
ત્રીજી અને છેલ્લાં નાણા પ્રધાન છે એનડી તિવારી. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ બંને રાજ્યના મુખ્ય પ્રધાન રહી ચૂકેલાં એન. ડી. તિવારી 1987-89માં રાજીવ ગાંધીની સરકારમાં નાણાં પ્રધાન રહ્યા હતા, પરંતુ એ વખતે વડા પ્રધાને બજેટ રજૂ કર્યું હતું અને તેઓ બજેટ રજૂ કરવાથી વંચિત રહી ગયા હતા.