
PM Modi Birthday Wishes: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે દેશવાસીઓ જુદીજુદી રીતે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. બોલિવૂડ અને સાઉથના ફિલ્મમેક્સ તથા અભિનેતાઓએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે સોશિયલ મીડિયા પર શુભેચ્છા સંદેશ મોકલ્યો છે.
જેમાં શાહરૂખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, એસ.એસ. રાજામૌલી, મહેશ બાબુ, કમલ હસન, રજનીકાંત, મોહનલાલ જેવી ફિલ્મી હસ્તીઓનો સમાવેશ થાય છે. આવો આ ફિલ્મી હસ્તીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કેવી રીતે શુભેચ્છાઓ પાઠવી? તેના પર એક નજર નાખીએ.
આપણ વાંચો: 75માં જન્મદિવસે સોશિયલ મીડિયા પર વધી PM મોદીની લોકપ્રિયતા: જાણો સોશિયલ મીડિયા પર કેટલા છે ફોલોઅર્સ…
તમારી ઊર્જા યુવાનોને હરાવી દે છે
શાહરૂખ ખાને એક્સ પર વીડિયો પોસ્ટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. શાહરૂખ ખાને જણાવ્યું કે, “આજે પીએમ મોદીના 75માં જન્મદિવસના અવસરે હું તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
એક નાના શહેરથી વૈશ્વિક મંચ સુધીની આપની યાત્રા ઘણી પ્રેરણાદાયક રહી છે. આ યાત્રામાં શિસ્ત, સખત પરિશ્રમ અને દેશ માટે સમર્પણ સ્પષ્ટપણે જોવા મળે છે. 75 વર્ષની ઉંમરે પણ તમારી ઊર્જા અમારા જેવા યુવાનોને પણ હરાવી દે છે. હું પ્રાર્થના કરૂં છું કે તમે હંમેશા સ્વસ્થ અને ખુશ રહો.”
આપણ વાંચો: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મદિવસની શુભેચ્છા પાઠવી, પીએમ મોદીએ આ રીતે માન્યો આભાર…
આમિર ખાને પણ એક્સ પર વીડિયો શેર કરીને PM મોદીને શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, “આપને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ સર. ભારતના વિકાસમાં તમારા ફાળાને હંમેશા યાદ રાખવામાં આવશે. આ આનંદના અવસરે અમે તમારા લાંબી ઉંમરની પ્રાર્થના કરીએ છીએ અને એ પણ કે તમે દેશને પ્રગતિના પંથે આગળ વધારતા રહો.”
બોલિવૂડની સાથોસાથ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફિલ્મમેકર્સ અને અભિનેતાઓએ પણ વીડિયો શેર કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવી છે. સાઉથની ફિલ્મોના જાણીતા ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીએ એક્સ પર વીડિયો શેર કરીને લખ્યું કે, “આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર તમને કાયમ સારું સ્વાસ્થ્ય, ઊર્જા અને પ્રસન્નતા આપે.”
અભિનેતા મહેશ બાબુએ પણ પોતાનો વીડિયો બનાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, “આપણા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર કરે કે, તમે હંમેશા સ્વસ્થ અને પ્રસન્ન રહો અને તમારા નેતૃત્વમાં અમને સૌને પ્રેરિત કરતા રહો.”
ભારતને નવી ઉંચાઈએ પહોંચાડતા રહો, હેપ્પી બર્થ ડે કેપ્ટન!
સાઉથની ફિલ્મોમાં સુપર સ્ટાર તરીકે જાણીતા અભિનેતા રજનીકાંતે એક્સ પર લખ્યું કે, “પરમ આદરણીય અને મારા પ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી, આપને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. હું તમારી લાંબી ઉંમર, ઉત્તમ સ્વાસ્થ્ય, મનની શાંતિ અને આપણા પ્રિય રાષ્ટ્રનું નેતૃત્વ કરવાની અનંત શક્તિની કામના કરૂં છું. જય હિંદ.”
દક્ષિણની ફિલ્મોમાં યુનિવર્સલ સ્ટાર તરીકે જાણીતા કમલ હસને એક્સ પર લખ્યું કે, “માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. હું તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને ભારતના લોકોની સેવામાં શક્તિ પ્રદાન કરવાની પ્રાર્થના કરૂં છું.”
મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવતા એક્સ પર લખ્યું કે, “આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ઈશ્વર આપને સારું સ્વાસ્થ્ય, પ્રસન્નતા અને આપણા રાષ્ટ્રને નવી ઉંચાઈઓ સુધી લઈ જવાની સતત શક્તિ પ્રદાન કરે.”
આ ઉપરાંત અક્ષય કુમારે પણ એક્સ પર લખ્યું કે, “75માં જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ નરેન્દ્ર મોદીજી. મારા હૃદયપૂર્વક પ્રાર્થના છે કે, તમને લાંબા ઉંમર અને સારું સ્વાસ્થ્ય મળે…તમે ભારતને નવી ઉંચાઈએ પહોંચાડતા રહો. હેપ્પી બર્થ ડે કેપ્ટન”