બાંગ્લાદેશમાં અમદાવાદવાળી: કોલેજની ઈમારત પર એરફોર્સનું વિમાન પડ્યું, અનેક ઘવાયા

ઢાકા: અમદાવાદમાં થોડા સમય પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટ રહેણાંક વિસ્તારમાં મેડિકલ કોલેજની હોસ્ટેલ પર પડી ભાંગ્યું હતું. આ ઘટનામાં 260 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ઉત્તર વિસ્તારમાં બાંગ્લાદેશ એરફોર્સનું F-7 BGI ટ્રેનિંગ ફાઈટર જેટ માઈલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજના કેમ્પસમાં ક્રેશ થયું હતું. આ ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.
સૂત્રો પાસેથી મળતા અહેવાલો પ્રમાણે બાંગ્લાદેશ એરફોર્સનું F-7 BGI ટ્રેનિંગ જેટ આજે બપોરે લગભગ 1:30 વાગ્યે (સ્થાનિક સમય) ઢાકાના ઉત્તર વિસ્તારમાં આવેલા માઈલેસ્ટોન કોલેજના કેમ્પસમાં ક્રેશ થયું. આ વિમાન શાળાના બિલ્ડિંગ પર તૂટ્યું હતું, જ્યાં પ્લેગ્રુપથી લઈને અન્ય વર્ગોના વિદ્યાર્થીઓ હાજર હતા. સ્થાનિક ફાયર વિભાગના સૂત્રો પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા 6-7 વિદ્યાર્થીઓ દાઝી ગયા હતા. પ્રારંભિક અહેવાલોમાં પાઈલટના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે.
આ દુર્ઘટના બાદ બાંગ્લાદેશ આર્મી, ફાયર સર્વિસ એન્ડ સિવિલ ડિફેન્સ, અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ની ટીમોએ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. ઘટનાસ્થળે આઠ ફાયર યુનિટ્સ, જેમાં ઉત્તરા, ટોંગી, પલ્લબી, કુર્મિટોલા, મિરપુર, અને પૂર્બાચલની ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિયોમાં આર્મીના જવાનો ઘાયલ વિદ્યાર્થીઓને બચાવતા જોવા મળ્યા. ઢાકા મેટ્રોપોલિટન પોલીસના ડેપ્યુટી કમિશનર મોહિદુલ ઈસ્લામે આ ઘટનાની પુષ્ટિ કરી હતી.
બાંગ્લાદેશ એરફોર્સના વિમાનમાં ક્રેશની આ એકમાત્ર ઘટના નથી. આ પહેલા 9 મે, 2024ના રોજ ચટગાંવના કર્ણફુલી નદીમાં એક YAK-130 ટ્રેનિંગ જેટ ક્રેશ થયું હતું, જેમાં સ્ક્વોડ્રન લીડર આસિમ જવાદનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં બીજા પાઈલટ વિંગ કમાન્ડર સોહન હસન ખાન ઘાયલ થયા હતા. તેમણે પેરાશૂટની મદદથી વિમાનમાંથી કૂદીને જીવ બચાવ્યો હતો.
સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાને લઈને દુ:ખ અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ટેકનિકલ ખામીને કારણે થયેલા આ ક્રેશની તપાસ ઝડપથી પૂર્ણ કરીને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે. BAFએ હજુ સુધી ક્રેશનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી, પરંતુ ટૂંક સમયમાં વધુ માહિતી સામે આવે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો…અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ મુદ્દે રાજ્યસભામાં ચર્ચા, સરકારે કહ્યું અમે સત્યની સાથે