યુપીની ડોક્ટર યુવતીને પરેશાન કરતો રોમિયોઃ રોજના 1000 કોલ, 5000 અશ્લીલ મેસેજ મોકલ્યા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ડો. રામ મનોહર લોહિયા સંસ્થાનની એક મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર સાથે સતામણીનો ગંભીર કેસ સામે આવ્યો છે. આ ઘટનાએ મહિલા સુરક્ષા અને સાયબર હેરેસમેન્ટના મુદ્દાઓને ફરી ચર્ચામાં લાવ્યા છે. સામાન્ય ચાલીમાં રહેતા એક 41 વર્ષના વ્યક્તિ પર આરોપ છે કે તેણે ડોક્ટરને ફોન કોલ્સ અને અશ્લીલ મેસેજ દ્વારા માનસિક રીતે હેરાન કરી હતી.
મીડિયા અહેવાલોમાં ડો. રામ મનોહર લોહિયા સંસ્થાનની મહિલા ડોક્ટરે જણાવ્યું કે ચાલીનો રહેવાસી મહેશ તિવારી લાંબા સમયથી તેમને ફોન કોલ્સ અને અશ્લીલ મેસેજ મોકલીને હેરાન કરી રહ્યો છે. આરોપીએ એક દિવસમાં 1000થી વધુ કોલ્સ અને 5000થી વધુ અશ્લીલ મેસેજ તેમજ અયોગ્ય તસવીરો મોકલી હતી. સતત કોલ્સ અને નોટિફિકેશનથી ડોક્ટરનું જીવન દુષ્કર બની ગયું હતું. નંબર બ્લોક કરવા છતાં આરોપી નવા નંબરથી સંપર્ક કરતો હતો, જેનાથી ડોક્ટરનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું હતું.
આ ઘટના બાદ ડોક્ટરે 12 મેના હેરાનગતિથી કંટાળીને 1090 વીમેન પાવર લાઇન પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે મહેશ તિવારીને પકડીને ચેતવણી આપીને છોડી મૂક્યો હતો, એવી આશાએ કે તે ફરી આવું નહીં કરે. પરંતુ આરોપીનો વર્તન બદલ્યુ નહીં, અને તેણે વધુ આક્રમક રીતે ફોન અને મેસેજ મોકલવાનું ચાલુ રાખ્યું. ડોક્ટરનું કહેવું છે કે જો શરૂઆતમાં સખત પગલા લેવાયા હોત તો આરોપીની હિંમત ન વધી હોત.
19 ઓગસ્ટની સાંજે ડોક્ટર ઓપીડીમાંથી ફેકલ્ટી એપાર્ટમેન્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે કોઈ તેમનો પીછો કરી રહ્યું છે. શરૂઆતમાં તેમણે આને અવગણ્યું, પરંતુ એપાર્ટમેન્ટ પાસે પહોંચતાં જ મહેશ તિવારી તેમની નજીક દેખાયો. ડરના માર્યા ડોક્ટરે બૂમો પાડી, જેના પર સિક્યોરિટી ગાર્ડે તુરંત આરોપીને પકડી લીધો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીને કસ્ટડીમાં લીધો અને વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
વિભૂતિખંડ પોલીસે મહેશ તિવારીને ધરપકડ કરી જેલમાં મોકલી દીધો છે. પોલીસે જણાવ્યું કે કેસની ગંભીર તપાસ ચાલી રહી છે, જેમાં આરોપીએ કેટલા નંબરોનો ઉપયોગ કર્યો અને અન્ય કોઈ સાથે સંડોવણી છે કે નહીં તે જાણવામાં આવશે. ડોક્ટરે પોલીસને વિનંતી કરી છે કે આરોપીને કડક સજા થાય, જેથી ભવિષ્યમાં કોઈ બીજી મહિલા આવી હેરાનગતિનો ભોગ ન બને. તેમણે કહ્યું કે આવી માનસિક પીડા શારીરિક હિંસા જેટલી જ ખતરનાક છે, જેણે તેમના કામ અને પરિવારની ચિંતાઓને વધારી દીધી.