દીકરીના લગ્ન માટે પિતા પૈતૃક મિલકત વેચી શકે છે; સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો કેમ આપ્યો? | મુંબઈ સમાચાર
નેશનલ

દીકરીના લગ્ન માટે પિતા પૈતૃક મિલકત વેચી શકે છે; સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો કેમ આપ્યો?

નવી દિલ્હી: સંતાનોના લગ્ન એ એક પિતા માટે સૌથી જવાબદારી હોય છે. લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે સામાન્ય વર્ગના પિતાએ પારિવારિક સંપતિ વેચવી પડે એવા ઘણા બનાવો બને છે, જેને કારણે પરિવારમાં મતભેદો પણ થતા હોય છે. એવામાં સુપ્રીમ કોર્ટે કર્ણાટકના એક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે દીકરીના લગ્ન માટે પૈતૃક મિલકત વેચવી યોગ્ય છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંદીપ મહેતા અને જ્યોમલ્યા બાગચીની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો. ચુકાદો સંભળાવતા બેન્ચે કહ્યું કે હિન્દુ અનડિવાઈડેડ ફેમિલી (HUF) ના વડા દીકરીના લગ્ન સહિત કાયદાકીય જરૂરિયાત માટે પરિવારની મિલકત વેચી અથવા ટ્રાન્સફર કરી શકે છે. જો લગ્ન મિલકતના વેચ્યા પહેલાં થયા હોય તો પણ સંપતિનું વેચાણ કે ટ્રાન્સફર માન્ય રહેશે.

કોર્ટે જણાવ્યું હતું કે દીકરીના લગ્ન માટે પરિવાર દેવું કરે છે, અને આ દેવું વર્ષો સુધી પરિવારની નાણાકીય પરિસ્થિતિ પર અસર કરે છે. તેથી, લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે મિલકત વેચવી એ યોગ્ય છે.

સુપ્રીમ કોર્ટે ચુકાદો ઉલટાવ્યો;

કર્ણાટકમાં દીકરીના લગ્નને પહોંચી વળવા એક પિતાએ મિલકતનું વેચાણ કર્યું હતું, દીકરાએ આ મિલકતના વેચાણ સામે કેસ દાખલ કર્યો હતો. કર્ણાટક હાઇકોર્ટે જણાવ્યું હતું કે મિલકતનું વેચાણ લગ્નના ઘણા વર્ષો પછી કરવામાં આવ્યું હતું, વેચાણ દસ્તાવેજ કાયદાકીય જરૂરિયાતના આધારે વાજબી ઠેરવી શકાય નહીં. હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ચુકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટની બેન્ચે કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને ઉલટાવી દીધો હતો અને વેચાણને માન્યું રાખ્યું હતું.

આ પણ વાંચો…અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં જેલમાં સરેન્ડર કરવું પડશે

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button