નેશનલ

નવા ફોજદારી કાયદાઓને લઈને ખેડૂતો ફરી કરશે “દિલ્હી કુચ”

નવી દિલ્હી: ખેડૂતો ફરી એકવાર સરકારની સામે મોરચો માંડવાની તૈયારીમાં છે. ખેડૂતો ત્રણ નવા ફોજદારી કાયદાને લઈને દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ જાહેરાત કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરવામાં આવી છે.

આગામી સ્વતંત્રતા દિવસ 15 મી ઓગષ્ટના દિવસે દેશભરમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર માર્ચની જાહેરાત કરવામાં આવી છે. આ માટે ખેડૂતોને સાંઘુ અને શંભુ સહિત દિલ્હીની સરહદે પહોંચવાની અપીલ કરવામાં આવી છે. ટ્રેક્ટર માર્ચની સાથે નવા ફોજદારી કાયદાની નકલો પણ બાળવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખેડૂત સંગઠનો દ્વાર નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 ઓગસ્ટે તેઓ મોદી સરકારની ‘અર્થી’ સળગાવશે. આ દરમિયાન એમએસપી પર કાયદાકીય ગેરંટી માટે જિલ્લા મુખ્યાલય પર પ્રદર્શન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂત સંગઠનો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 15મી ઓગસ્ટે દેશભરમાં ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે.

આ પણ વાંચો: દ્વારકા જિલ્લામાં નદીમાં ફસાયેલા ખેડૂતોનું એરફોર્સ દ્વારા દિલધડક કરાયું રેસ્ક્યૂ

આ પ્રદર્શન દરમિયાન નવા ફોજદારી કાયદાઓની નકલ પણ સળગાવવામાં આવશે. જો કે દેશભના ખેડૂતોને સરકારની નીતિનો વિરોધ કરવા માટેની અપીલ કરવામાં આવી છે. શંભુ બોર્ડર પર ખેડૂતોને રાશન લઈને પહોંચવા લાગ્યા છે.

શંભુ બોર્ડર પર ખેડૂતોએ લાંબા સમયથી પડાવ નાખ્યો છે. 31 ઓગસ્ટના રોજ ખેડૂત આંદોલનને 200 દિવસ પૂરા થશે. ખેડૂત સંગઠનોએ આ દિવસે તમામ ખેડૂતોને સરહદ પર પહોંચવાની અપીલ કરી છે. જો કે આ દરમિયાન 15મી સપ્ટેમ્બરે હરિયાણાના જીંદમાં અને 22મી સપ્ટેમ્બરે હરિયાણાના પીપલીમાં ખેડૂતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય ટેનીએના પુત્ર આશિષ મિશ્રાને આપવામાં આવેલી જામીનની પણ નિંદા કરી હતી. આશિષ પર લખીમપુરમાં ખેડૂતો પર હુમલો કરવાનો આરોપ છે. ખેડૂતોએ કહ્યું કે બોર્ડર ખુલતાની સાથે જ અમે ટ્રેક્ટરમાં માલ ભરીને દિલ્હી જવા રવાના થઈશું.

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એક સપ્તાહની અંદર શંભુ બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો. તેની મુદ્દત 17 જુલાઈએ પૂર્ણ થઈ હતી, પરંતુ તે પહેલા હરિયાણા સરકારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે 13 ફેબ્રુઆરીના રોજ પંજાબના ખેડૂતો MSPની કાયદાકીય ગેરંટી સહિત લગભગ 12 માંગણીઓ સાથે દિલ્હી જવા રવાના થયા હતા. પરંતુ હરિયાણા સરકાર દ્વારા પટિયાલા અને અંબાલા વચ્ચે શંભુ બોર્ડર પર તેમનો રસ્તો બંધ કરી દેવાયો છે. ત્યારથી ખેડૂતો શંભુ બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button