નવી દિલ્હી: ખેડૂતોએ ફરી કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે, મિનિમમ સપોર્ટ પ્રાઈઝ(MSP) અંગેના નવા કાયદા અંગે સહમતી ન સધાતા ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મંગળવારે, પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે દિલ્હી તરફ કૂચ કરવાના ખેડૂતોના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. ખેડૂતો આજે ફરી દિલ્હીમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યા છે. શંભુ બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે.
આજે સવારે, પોલીસે શંભુ બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતોના ટોળા પર ટીયર ગેસના શેલ છોડવાનું શરૂ કર્યું છે.
ખેડૂતોની માર્ચને ધ્યાનમાં રરાખીને સિંઘુ બોર્ડર પર મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હરિયાણાના 8 જિલ્લામાં 15 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. મંગળવારે વહીવટીતંત્રે હરિયાણા અને પંજાબ સરહદે ખેડૂતોની ‘દિલ્હી ચલો’ માર્ચને રોકી દીધી હતી. ફતેહગઢ સાહેબથી શંભુ બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતોના ટોળા પર પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. જેમાં ઘણા ખેડૂતોને ઈજા પહોંચી હતી.
ખેડૂતોની ‘દિલ્લી ચલો’ કૂચનો આજે બીજો દિવસ છે. ખેડૂતો આજે ફરી દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર કડક પોલીસ દેખરેખ છે. સિંઘુ બોર્ડર પર પોલીસ અને અર્ધલશ્કરી દળો પોતપોતાના મોરચાને મજબૂત કરવામાં વ્યસ્ત છે. ટ્રક અને ડમ્પરો રોકીને એક બાજુથી રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો છે. હાઈવે પર કાંટાળા તાર અને સિમેન્ટના બેરિકેડ મુકાવામાં આવ્યા છે.