કાંદાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો રડ્યાઃ લાસલગાંવમાં મબલખ આવક

મુંબઈઃ તમારા ઘરમાં કાંદા સસ્તા આવે કે ન આવે, પણ જથ્થાબંધ માર્કેટમાં કાંદાનો ભાવ તળિયે બેસી ગયો છે અને ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. નાસિકની લાસલગાંવ બજાર સમિતિમાં ડુંગળીના ભાવ ગગડી ગયા છે, જેના કારણે ખેડૂતો માટે સંકટ સર્જાયું છે. ડુંગળીના ભાવ ઘટીને 1,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે. બજાર સમિતિમાં ડુંગળીની આવક વધી છે. ભાવમાં ઘટાડાને કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે.
મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ અને કરા પડવાથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને પોતાની પેદાશોના ભાવ મળતા નથી. છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. અમુક નિષ્ણાતોના કહેવા અનુસાર સરહદ પર વણસી રહેલી સ્થિતિને કારણે પણ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે બાંગ્લાદેશમાં થતી નિકાસ અટકી છે જેના કારમે પણ માલ વધ્યો છે. ભરપૂર આવક અને નિકાસ ઘટતા ખેડૂતોએ સહન કરવાનો વારો આવ્યો છે.
વિશેષ માહિતી અનુસાર નાફેડ એનસીસીએફે હજુ સુધી ડુંગળી ખરીદવાનું શરૂ કર્યું નથી. ખેડૂતો નાફેડ અને એનસીસીએફ તરફથી કાંદાની લેવાલી ક્યારે શરૂ થાય તેની પણ રાહ જોઈ રહ્યા છે. બજારમાં નાસિક જિલ્લાના લાસલગાંવ બજારમાં કાંદાનો ભાવ 1151 રૂપિયા હતો. નાસિક બજાર સમિતિમાં દર રૂ. ૯૦૦. યેઉલાનમાં રૂ.૮૫૧. મનમાડ, પિંપળગાંવ બજારોમાં ભાવ ૧૧૦૦ રૂપિયા રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે ખેડૂતોને ભાવ મળતો ન હોવા છતાં સામાન્ય નાગરિકોને કંઈ સસ્તા ભાવે મળતી નથી ત્યારે આ માલ ક્યા જાય છે તે વિચારવાની વાત છે.
આ પણ વાંચો….કઠોળના ભાવ અંકુશમાં રાખવા સરકાર એકંદર 13.22 લાખ ટન તુવેર દાળ ખરીદશે