નેશનલ

આ જગ્યાએ રચાયું હતું બોમ્બ બ્લાસ્ટનું કાવતરું! જાણો તપાસ એજન્સીને શું મળ્યું

ફરીદાબાદ ટેરર મોડ્યુલનો પર્દાફાસ અને ત્યાર બાદ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કારમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. તપાસ એજન્સીઓ દિલ્હીથી માત્ર 30 કિલોમીટરના અંતરે આવેલી અલ-ફલાહ યુનિવર્સિટીની સઘન તપાસ કરી રહી છે, પ્રારંભિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અહેવાલ મુજબ યુનિવર્સિટીની બિલ્ડીંગ નંબર 17 ના રૂમ નંબર 13માં દિલ્હીમાં અને ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોમાં પણ બોમ્બ વિસ્ફોટનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

અહેવાલ મુજબ બિલ્ડીંગ નંબર 17 નો રૂમ નંબર 13 જમ્મુ અને કાશ્મીરના પુલવામાના રહેવાસી ડૉ. મુઝમ્મિલ અહેમદને ફાળવવામાં આવ્યો હતો. આ રૂમમાં જ ખતરનાક આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું. યુનિવર્સીટીના વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ રૂમ 13 હંમેશા બંધ રહેતો હતો. અવાનવાર અજાણ્યા લોકો મોડી રાત્રે આ રૂમમાં આવતા જતાં હતાં.

રૂમમાંથી શું મળ્યું?
અહેવાલ મુજબ પોલીસને આ રૂમમાંથી શંકાસ્પદ ડિજિટલ ડીવાઈસ, પેન ડ્રાઇવ અને લેપટોપ મળ્યા છે, જેમાં ઘણી કોડેડ ફાઈલ્સ મળી છે, જેમાં “ઓપરેશન” શબ્દનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસને એક નોટબુક મળી છે, જેમાં 8 થી 12 નવેમ્બર વચ્ચે કેટલાક મુલાકતીઓના નામ અને નંબરો નોંધવામાં આવ્યા હતાં, જેમાંથી મોટા ભાગના લોકો જમ્મુ અને કાશ્મીર, ફરીદાબાદના હતાં. ફોરેન્સિક ટીમોએ ફિંગરપ્રિન્ટ્સના સેમ્પલ લીધા છે.

શંકાસ્પદ કેમિકલ મળ્યા:
ફોરેન્સિક ટીમને રૂમમાંથી શંકાસ્પદ કેમિકલ મળ્યા છે, જેનો ઉપયોગ વિસ્ફોટકો બનાવવા માટે કરવામાં આવ્યો હતો. વિસ્ફોટકો બનવવા માટે યુનિવર્સિટી લેબમાંથી કયા રસાયણો ચોરી કરવા એ આ રૂમમાંથી નક્કી કરવામાં આવતું હતું. લેબમાંથી ચોરવામાં આવેલા એમોનિયમ નાઈટ્રેટ અને ઓક્સાઇડ સંયોજનોની થોડી માત્રાને ભેળવીને બોમ્બ તૈયાર કરવાની યોજના હતી.

રિપોર્ટ અનુસાર, યુનિવર્સિટીની ફાર્માકોલોજી લેબ સીલ કરવામાં આવી છે, લેબમાંથી કેટલીક કેમિકલ ભરેલી બોટલો, ટેસ્ટ ટ્યુબ અને કેમિકલ સેમ્પલ મળી આવ્યા છે. ડૉ. ઉમર ઉન નબી અને ડૉ. શાહીન શાહિદ આ કેમિકલને ફરીદાબાદના ધૌજ અને ટાગા ગામ સુધી પહોંચાડતા હતાં. આ ગામોમાં બોમ્બ બનવા માટેની અસ્થાયી ફેસિલિટી બનાવવામાં આવી હતી.

આપણ વાંચો:  દિલ્લી બ્લાસ્ટ કરનારો ડો. ઉમર કઈ એપથી ચેટ કરતો હતો કે ભારતીય ગુપ્તચર તંત્રને ખબર જ ના પડી ?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button