ગાઝિયાબાદ નકલી દૂતાવાસ કેસ; ભારતમાં જન્મેલા ઇન્ટરનેશનલ ક્રિમિનલનું નામ ખુલ્યું...

ગાઝિયાબાદ નકલી દૂતાવાસ કેસ; ભારતમાં જન્મેલા ઇન્ટરનેશનલ ક્રિમિનલનું નામ ખુલ્યું…

લખનઉ: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં ફાઈનાન્સિયલ ફ્રોડ અને મની લોન્ડરિંગના ઇન્ટરનેશનલ નેટવર્કનો પર્દાફાશ (Fake embassy in Gaziabad) કર્યો છે. લાડોનિયા, વેસ્ટાર્ટિકા, સેબોર્ગા અને પૌલવીયા જેવા દેશોના નામે દુતાવાસ ખોલીને કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું, આ ફ્રોડનો પર્દાફાસ થતા ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ(STF)એ હર્ષવર્ધન જૈન નામના વ્યક્તિની ધરપકડ કરી હતી, હવે આ કેસની તપાસમાં વધુ એક શખ્સ એહસાન અલી(Ahsan Ali)નું નામ ખુલ્યું છે.

અહેવાલ મુજબ એહસાન અલીને હર્ષવર્ધ સાથે મળીને કેટલીક શેલ કંપનીઓ બનાવી હતી, જેના પર લોન લીધા બાદ એહસાન અલી વિદેશ ભાગી ગયો હતો. અહેવાલ મુજબ એહસાન અલી સ્વિટ્ઝર્લૅન્ડના લેક લ્યુસર્નમાં એક લકઝરીયસ ફ્લેટ ધરાવે છે અને સ્પેનિશ ફૂટબોલ ક્લબમાં પણ તેની પાર્ટનરશીપ છે. તેની પાસે સંખ્યાબંધ મોંઘી કાર્સ છે. એહસાન અલી પર ભારત ઉપરાંત ઘણા દેશોમાં છેતરપિંડી કરવાનો આરોપ છે.

લંડનમાં ધરપકડ:
એહસાન અલીનો જન્મ ભારતમાં થયો હતો, પણ હાલ તેની પાસે તુર્કીયેની નાગરિકતા છે. તેણે આંતરરાષ્ટ્રીય ધોરણે મની લોન્ડરિંગ કૌભાંડ ચલાવ્યું છે. એહસાન અલીએ સપ્ટેમ્બર 2010 થી મે 2011 વચ્ચે સ્વિટ્ઝર્લૅન્ડમાં પણ છેતરપીંડી આચરી હતી, ત્યાંથી તે યુકે ભાગી ગયો હતો. સ્વિટ્ઝર્લૅન્ડની વિનંતી પર નવેમ્બર 2022 માં લંડનમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ગત 4 જુલાઈના રોજ લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે એક છેતરપિંડીના કેસમાં એહસાન અલીને સ્વિટ્ઝર્લેન્ડને પ્રત્યાર્પણ કરવા માટે મંજુરી આપી હતી, જેથી તેની સ્વિટ્ઝર્લેન્ડમાં પૂછપરછ કરી શકાય.

એહસાન અલીના વેસ્ટર્ન એડવાઇઝરી ગ્રુપ (WAG) ની વૈભવી ઓફિસો સ્વિટ્ઝર્લૅન્ડ અને બહેરીનમાં આવેલી છે. હવે ગાઝીયાબાદના નકલી દુતાવાસમાં પણ એહસાન અલીનું નામ સામે આવ્યું છે, ત્યારે હવે મોટા ખુલાસા થઇ શકે છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button