
ઇસ્લામાબાદઃ ભારતે થોડા દિવસોમાં એવી ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે, જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. સૌપ્રથમ ભારતના ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે સમગ્ર વિશ્વએ ભારતનો ઉત્સાહ વધાર્યો. હવે આ પછી, G-20 સમિટના એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના માટે સમગ્ર વિશ્વના મહાનુભાવો દિલ્હીમાં એકઠા થયા છે.
ભારતમાં આ સમિટનું વિશાળ પાયે આયોજન થઇ રહ્યું છે અને દુનિયાની નજર ભારત પર છે. દુનિયામાં સુપર પાવર દેશનો કરિશ્મા તો લોકોએ જોયો જ છે, પણ હવે વિશ્વગુરુ બનવાની દિશામાં પ્રયાણ કરતા ભારતની સિદ્ધિઓથી વિશ્વ ચકાચોંધ છે.
બીજી તરફ પાકિસ્તાન છે, જેના માટે આવી કોન્ફરન્સનું આયોજન કરવું એ લગભગ અશક્ય જ છે. તે જી-20 જૂથનો ભાગ પણ નથી. આ ઉપરાંત ભારતે તેમને G-20 સમિટ માટે આમંત્રણ પણ નહોતું આપ્યું. હવે પાકિસ્તાનના લોકો દેશની હાલત જોઈને અત્યંત શરમ અનુભવી રહ્યા છે અને આ માટે પોતાના નેતાઓ અને સરકારને કોસતા જોવા મળી રહ્યા છે.
પાકિસ્તાનના લોકો કહે છે કે બાંગ્લાદેશને G-20 માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ અમને નહીં. પાકિસ્તાન પરમાણુ શક્તિ છે, છતાં અમને આ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ અમારા માટે ખૂબ જ શરમજનક બાબત છે.
પાકિસ્તાનની એક યુટ્યુબ ચેનલે ભારતમાંની જી-20 સમિટ અંગે લોકોના અભિપ્રાય પૂછ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાનના લોકો તેમની સરકારને કોસતા જોવા મળ્યા હતા. એક પાકિસ્તાનીએ કહ્યું હતું કે આપણી અર્થવ્યવસ્થા જુઓ. દેશ તૂટી પડ્યો છે. પરિસ્થિતિ આપણા નિયંત્રણની બહાર થઈ ગઈ છે.
જ્યારે અન્ય એક પાકિસ્તાની વ્યક્તિએ કહ્યું હતું કે અમારા નેતાઓનું કોઈ સન્માન નથી. જ્યારે માન જ ન હોય તો કોને બોલાવે? કેટલાક પાકિસ્તાનીએ કહ્યું હતું કે બાંગ્લાદેશ આપણાથી આગળ નીકળી ગયું કારણ કે આપણા રાજકારણીઓ ભ્રષ્ટ છે. એક પાકિસ્તાનીઓ તો ત્યાં સુધી જણાવ્યું હતું કે 2010માં તે દુબઇ ગયો હતો. ત્યાં શ્વાનોનું સન્માન હતું, પણ પાકિસ્તાનીઓનું નહીં. પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર હતી ત્યારે પરિસ્થિતિ સારી હતી, વિશ્વમાં અમારું સન્માન થતું હતું, પણ હવે પાકિસ્તાનની હાલત વણસી ગઇ છે.
ભારતનું કાશ્મીર આપણા કરતા સારુ છે. પહેલા ત્યાંના લોકો ‘કાશ્મીર બનેગા પાકિસ્તાન’ના નારા લગાવતા હતા, પણ હવે પાકિસ્તાનની હાલત જોઇને તેઓ પોતાને પાકિસ્તાનથી અલગ રાખવા માગે છે.
એક સબળ, સક્ષમ અને આદર્શ નેતૃત્વ દેશને આસમાનની ઊંચાઇએ પહોંચાડી શકે છે, એનું આથી વધુ સારુ ઉદાહરણ શું હોઇ શકે!