
ઇથિયોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીના વિસ્ફોટ બાદ ઊઠેલો રાખ, જેણે સોમવારે મોડી રાત્રે દિલ્હી-એનસીઆર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના મોટા હિસ્સાને પ્રભાવિત કર્યો હતો, તે હવે ભારતીય વાયુક્ષેત્રમાંથી દૂર થઈ ગયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે આ ‘એશ ક્લાઉડ’ હવે પૂર્વ દિશામાં ચીન તરફ આગળ વધી રહ્યો છે, જેના કારણે ભારતીય હવાઈ ક્ષેત્ર પર તેની અસર ઝડપથી ઘટી રહી છે. આઇએમડીના જણાવ્યા અનુસાર, મંગળવાર સાંજ સુધીમાં એટલે કે સાંજે 7:30 વાગ્યા સુધીમાં આ રાખનો ધૂવાળો ભારતમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જશે.
હેલી ગુબ્બી જ્વાળામુખી, જેને લગભગ 10,000 વર્ષથી નિષ્ક્રિય માનવામાં આવતો હતો, તે રવિવારે અચાનક ફાટ્યો હતો. આ વિસ્ફોટના કારણે લગભગ 14 કિલોમીટર (45,000 ફૂટ)ની ઊંચાઈ સુધી રાખ અને સલ્ફર ડાયોક્સાઇડનો ગાઢ વાદળ ઊઠ્યો હતો. આ વાદળ રેડ સી પાર કરીને અરબ પ્રાયદ્વીપ થઈને ઉત્તર-પશ્ચિમ ભારત તરફ ખૂબ ઝડપથી આગળ વધ્યો હતો. IMD સતત સેટેલાઇટ ડેટા અને ‘વોલ્કેનિક એશ એડવાઇઝરી સેન્ટર’ના માધ્યમથી સ્થિતિની ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી રહ્યું હતું, જેના આધારે આ માહિતી આપવામાં આવી છે.
જ્વાળામુખીની રાખથી સર્જાયેલી આ સ્થિતિના પગલે દેશના અનેક એરપોર્ટ્સ પર SIGMET એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. વિમાનન નિષ્ણાતોના મતે, જ્વાળામુખીની રાખ વિમાનના એન્જિન, વિન્ડશિલ્ડ અને સેન્સર સિસ્ટમ માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા, એરલાઈન કંપનીઓએ અનેક ઉડ્ડયનોને રદ કરવા અથવા તેમના રૂટમાં ફેરફાર (Re-route) કરવા પડ્યા હતા. એર ઇન્ડિયા એ ગઈકાલથી આજ સુધીમાં 11 ફ્લાઇટ્સ રદ કરી હોવાનું જણાવ્યું છે. જોકે, IMD દ્વારા સ્થિતિ સામાન્ય બની રહી હોવાની જાણકારી મળ્યા છતાં, એરલાઇન કંપનીઓ હજી પણ સાવધાની જાળવી રહી છે અને મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મુસાફરી પર નીકળતા પહેલા પોતાની ફ્લાઇટનું સ્ટેટસ અચૂક ચેક કરી લે.
આ પણ વાંચો…ઇથોપિયાના જ્વાળામુખીની ઝેરી રાખના ધુમાડાની અસર કચ્છ સુધી વર્તાઇ! AQI થયો નબળો…



