PFનો દુરુપયોગ કરનારા કર્મચારીઓને EPFOની ચેતવણી: વ્યાજસહિત દંડની થશે વસૂલી

PF withdrawal Rules: પ્રાઈવેટ સેક્ટર કે પબ્લિક સેક્ટરમાં નોકરી કરતા મોટાભાગના કર્મચારીઓના પગારમાંથી EPFO દ્વારા PFની રકમ કાપીને PF એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. જ્યારે કર્મચારી નિવૃત્ત થાય ત્યારે તેને PF એકાઉન્ટમાં જમા થયેલી પૂરેપૂરી રકમ મળે છે. જોકે, કર્મચારીઓ પોતાની નોકરી દરમિયાન પણ PF એકાઉન્ટમાં જમા થયેલી અમુક રકમ ઉપાડી શકે છે. જેના માટે કેટલાક યોગ્ય કારણો રજૂ કરવા પડે છે. પરંતુ ઘણા કર્મચારીઓ ખોટા કારણો દર્શાવીને PF એકાઉન્ટમાંથી રકમ ઉપાડતા હોય છે. આવા લોકો માટે EPFO દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી છે.
ખોટા કારણો દર્શાવનાર પાસેથી થશે રિકવરી
EPF યોજના 1952માં PFની રકમ વિડ્રો કરવાના કેટલાક નિયમો દર્શાવવામાં આવ્યા છે. કર્મચારી પોતાના અથવા પોતાના બાળકો તથા ભાઈ-બહેનના લગ્ન, બાળકોના ભણતર, ગંભીર બીમારી કે ઘર બનાવવા કે ખરીદવા જેવા સંજોગોમાં પોતાના PFની રકમ ઉપાડીને ઉપયોગ કરી શકે છે. પરંતુ ઘણા લોકો ઉપરોક્ત કારણો આપીને PFની રકમનો બીજા કામમાં ઉપયોગ કરે છે. આવા લોકોને EPFO દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
EPFO વિભાગે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “ખોટા કારણો દર્શાવીને PFની રકમ ઉપાડનારા કર્મચારીઓ પર EPF યોજના 1952 હેઠળ રિકવરી થઈ શકે છે. ભવિષ્યની સલામતી અને માત્ર સાચા કારણો માટે જ PFની રકમનો ઉપયોગ કરો. તમારું PF તમારું સુરક્ષા કવચ છે.” EPFO વિભાગની આ ચેતવણી સિવાય પણ એવા કેટલાક નિયમો છે, જે PFની રકમનો દૂરઉપયોગ થતો અટકાવે છે.
વ્યાજસહિતની PFની રકમ જમા કરવી પડશે
EPFOના સેક્શન 68B(11) હેઠળ જો તમે PFની રકમનો ખોટી જગ્યાએ ઉપયોગ કરો છો, તો તમે આગામી ત્રણ મહિના સુધી કોઈ ઉપાડ કરી શકશો નહીં. સાથોસાથ જ્યાં સુધી તમે વ્યાજ સહિતની તમામ રકમ જમા નહીં કરાવો ત્યાં સુધી તમને અન્ય કોઈ ઉપાડ માટે આગોતરી મંજૂરી આપવામાં આવશે નહીં. આમ, કર્મચારી PFની રકમનો સદુપયોગ કરે તે માટે EPFO વિભાગ દ્વારા યોગ્ય પગલા લેવામાં આવ્યા છે.
આપણ વાંચો: BCCI ને મળ્યા નવા પ્રમુખ; જાણો કોણ છે જમ્મુ-કાશ્મીરમાં જન્મેલા ભૂતપૂર્વ ડોમેસ્ટિક સ્ટાર ખેલાડી