પંજાબઃ સુરક્ષા દળોને મોટી સફળતા મળી, ISI પ્રેરિત ‘બબ્બર ખાલસા’ના 2 આતંકવાદી અથડામણમાં ઘાયલ

નવી દિલ્હી: લાલ કિલ્લા બ્લાસ્ટ બાદ દેશમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ચુકી છે. આ સાથે દેશમાં આતંકવાદ વિરુદ્ધ મોટું અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરક્ષા દળોને ફરી એક વખત મોટી સફળતા મળી છે. લુધિયાણા પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે પર આવેલા લાડોવાલ ટોલ પ્લાઝા નજીક આ અથડામણ થઈ હતી. આ અથડામણમાં પંજાબ પોલીસે બે આતંકવાદીઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોએ દ્વારા મળતી જાણકારી પ્રમાણે પોલીસને ખાનગી બાતમી મળ્યા બાદ આતંકવાદીઓને પકડવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હી અમૃતસર નેશનલ હાઈવે પાસે પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી. આ અથડામણમાં ઘાયલ થયેલા બે લોકોનું આતંકવાદી કનેક્શન ‘બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ’ (BKI) નામના સંગઠન સાથે નીકળ્યું હતું, જે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઇશારે કામ કરી રહ્યું હતું.
આ પણ વાંચો: ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસાનું નીકળ્યું દાઉદ કનેક્શન, NIAની તપાસમાં થયો મોટો ખુલાસો
આ મામલે પોલીસ કમિશ્નરે જણાવ્યું કે લુધિયાણામાં ઘેરાબંધી કરીને આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જેમાં બંને આતંકવાદીઓ ઘાયલ થયા છે અને તેમની હાલત ગંભીર છે. પોલીસને શંકા છે કે, આ આતંકવાદીઓ વિદેશી હેન્ડલર્સ, ખાસ કરીને પાકિસ્તાની નેટવર્ક સાથે જોડાયેલા હતા અને ટૂંક સમયમાં જ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા.
લુધિયાણામાં થયેલા આ એન્કાઉન્ટરને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાસ્થળની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા અને સમગ્ર વિસ્તાર જાણે છાવણીમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસમાં જોતરાયા હતા. આ ઘટના બાદ પોલીસ પ્રશાસન ‘એલર્ટ મોડ’ પર આવી ગયું છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અભિયાન વધુ તેજ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે થોડા દિવસો અગાઉ પણ એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરીને ગ્રેનેડ સાથે ત્રણ આતંકવાદીઓને પકડ્યા હતા.
આ પણ વાંચો: બબ્બર ખાલસા આતંકવાદી કરણવીર સિંહ વિરુદ્ધ કાર્યવાહી
આ એન્કાઉન્ટર બાદ ફરી એકવાર બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ચર્ચામાં આવ્યું છે. આ સંગઠન 1978માં બન્યું હતું અને લાંબા સમયથી ખાલિસ્તાનની માંગને લઈને સક્રિય છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયે આ સંગઠનને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કર્યું છે.
90ના દાયકામાં પંજાબમાં જ્યારે ઉગ્રવાદ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારે અનેક સંગઠનોનો અંત આવ્યો હતો. પરંતુ BKI જેવું આ જૂથ બચી ગયું હતું. સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલ મુજબ, BKI આજે પણ દક્ષિણ એશિયાના સૌથી સંગઠિત અને ખતરનાક ઉગ્રવાદી જૂથોમાં ગણાય છે. અત્યારે પંજાબ પોલીસ દ્વારા આ સંગઠન સાથે જોડાયેલા 2 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે.



