એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધશે! પોલીસને મુખ્ય આરોપી રાહુલની ડાયરી મળી
દિલ્હી: નોઈડા રેવ પાર્ટીમાં સાપ અને સાપના ઝેરના ઉપયોગના મામલામાં એલ્વિશ યાદવ સહિત અન્ય આરોપીઓની મુશ્કેલીઓ વધી શકે છે. તાજેતરની માહિતી અનુસાર, પોલીસને મુખ્ય આરોપી રાહુલની ડાયરી મળી આવી છે. આ ડાયરીમાંથી સાપના ઝેરનો હિસાબ બહાર આવી શકે છે.
અત્યાર સુધી પૂછપરછમાં આરોપીઓએ પોલીસ સમક્ષ અનેક ખુલાસા કર્યા છે. એક આરોપીએ જણાવ્યું હતું કે રેવ પાર્ટી માટે દિલ્હીના બદરપુર પાસેના ગામમાંથી સાપ અને સાપનું ઝેર લાવવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર, પોલીસે અગાઉ મુખ્ય આરોપી રાહુલ અને તેના સહયોગીઓ પાસેથી 20 મિલી સાપનું ઝેર જપ્ત કર્યું હતું. જેને ટેસ્ટિંગ માટે જયપુર લેબમાં મોકલવામાં આવ્યું છે. આ ઝેરના કેમિકલનો ઉપયોગ ડ્રગ્સ તરીકે કરવામાં આવતો હતો.
રવિવારે સાંજે પાંચેય આરોપીઓના 54 કલાકના રિમાન્ડ પૂરા થયા હતા. અગાઉ પોલીસે એલ્વિશ યાદવની પણ પૂછપરછ કરી હતી. રિપોર્ટ અનુસાર, પોલીસ મુખ્ય આરોપી રાહુલને પૂછપરછ માટે ફરીથી રિમાન્ડ પર લઈ શકે છે.
રાહુલે કેટલાક વધુ આરોપીઓના નામ આપ્યા છે જેઓ રેવ પાર્ટીઓમાં સ્નેક ગેમ્સનું આયોજન કરતા હતા. કેટલાક એલ્વિશ યાદવ અને ફાઝીલપુરિયા સાથે સંબંધ ધરાવે છે. હાલ પોલીસ આ તમામ માહિતીના આધારે મામલાના તળિયે જવાનો પ્રયાસ કરી રહી છે.