
ગુરુગ્રામ: વિવાદોમાં ઘેરાયેલા યુટ્યુબર એલ્વિશ યાદવના હરિયાણાના ગુરુગ્રામ સ્થિત ઘર પર ફાયરિંગ થવાની ઘટના (Firing on Alvish Yadav home) બની છે. અહેવાલ મુજબ આજે વહેલી સવારે મોટરસાઈકલ સવાર માસ્ક પહેરેલા ત્રણ શખ્સો એલ્વિશના ઘરની બહાર 25 રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતાં.
આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજાના અહેવાલ નથી. ફાયરીંગ થયું હોવાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ શરૂ કરી હતી.
અહેવાલ મુજબ આજે વહેલી સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે ફાયરીંગ કરવામાં આવ્યું હતું, આ સમયે એલ્વિશ ઘરે ન હતો, પરંતુ તેના પરિવારના કેટલાક સભ્યો અને તેનો કેરટેકર ઘરમાં જ હતાં. વહેલી સવારે અચાનક ગોળીબારના અવાજ સંભળાતા ગભરાટ વ્યાપી ગયો હતો. આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડીયોમાં ગોળીબારના કારણે તૂટેલા કાચ અને દિવાલો પર ગોળીઓનાં નિશાન જોવા મળે છે.
પોલીસતંત્ર દોડતું થયું છે:
ઘટનાનો માહિતી મળતા પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં, ફોરેન્સિક લેબની ટીમેં પહોંચીને સેમ્પલ્સ એકત્રિત કર્યા અને વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ સત્તાવાર ફરિયાદ મળ્યા બાદ જ આ કેસમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, તાપસ શરુ કરવામાં આવી છે.
ઘટના પાછળ કોનો હાથ?
આજે થયેલા ગોળીબાર પહેલા એલ્વિશને કોઈ ધમકી મળી હોય એવું પરિવારના જાણમાં નથી. થોડા દિવસો એલ્વિશ યાદવના સાથી અને જાણીતા ગાયક રાહુલ ફાજિલપુરિયા પર પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જોકે, રાહુલ બચી ગયો હતો.
એલ્વિશના ઘર પર ગોળીબારમાં કોનો હાથ હતો અને હુમલાખોરોનો ઈરાદો શું હતો એ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ હરિયાણામાં ઘણા સમયથી વકરી રહેલી ગેંગ વોર સાથે આ ઘટનાને જોડવામાં આવી રહી છે, જો કે હકીકત પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે.
આ પણ વાંચો…બિગ બોસ ફેમ મુનવ્વરની ધરપકડ પછી એલ્વિશ યાદવે આપી ચોંકાવનારી પ્રતિક્રિયા
વિવાદોમાં ઘેરાયેલો એલ્વીશ:
નોંધનીય છે કે બિગબોસ વિજેતા રહી ચુકેલો એલ્વીશ રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ અને સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપોમાં ફસાયેલો છે. મે મહિનામાં અલ્હાબાદ હાઈકોર્ટે ચાર્જશીટ અને ત્યારબાદ ફોજદારી કાર્યવાહીને પડકારતી એલ્વિશ યાદવની અરજી ફગાવી દીધી.
યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર રોસ્ટ વીડિયો પોસ્ટ કરીને એલ્વિશ ફેમસ થયો છે, તેના લાખો ફેંસ છે. જો કે તેની અપમાનજનક ભાષા અને કન્ટેન્ટને સામે સતત સવાલો ઉઠતા રહ્યા છે.
આ પણ વાંચો…એલ્વિશ યાદવે ફરી કરી મારપીટ, સીસીટીવી ફૂટેજ વાઇરલ