આ મહિને પહેલી વખત ભારત આવશે એલન મસ્ક, પીએમ મોદી સાથે કરશે મુલાકાત, પછી થશે આ મોટી જાહેરાત
નવી દિલ્હી: ટેસ્લાના માલિક એલન મસ્ક ચાલુ મહિનાના અંતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે. જ્યાં તેઓ ભારતમાં રોકાણ કરવાની અને નવી ફેક્ટ્રી ખોલવાની પોતાની યોજના સંબંધે ચર્ચા કરે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 22મી એપ્રિલથી શરૂ થઈ રહેલા અઠવાડિયામાં એલન મસ્ક ભારતની મુલાકાત પર રહેશે. નવી દિલ્હીમાં એલન મસ્ક ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે.
અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવું થશે તો એલન મસ્ક પહેલી વખત ભારતમાં આવશે. તેઓ પોતાની ભારત યાત્રા વખતે પોતાના ઈન્વેસ્ટમેન્ટ પ્લાન અને ભારતમાં ઈલેક્ટ્રિક કારના પ્લાન્ટને લઈને મોટી જાહેરાત કરી શકે છે. ભારતીય ગ્રાહકો પણ આતુરતાથી ટેસ્લાની રાહ જોઈ રહ્યા છે.
પહેલાં એવી જાણકારી આપવામાં આવી હતી કે ટેસ્લા કંપનીના અધિકારીઓ પહેલા ભારતમાં આવશે અને તેઓ ટેસ્લા માટે જગ્યા ગોતી શકે, પરંતુ હવે એવી જાણકારી મળી છે કે મસ્ક પોતે જ ભારત આવવાના છે. આ પ્લાન્ટમાં બે બિલિયન ડોલરના રોકાણની યોજનાની જાહેરાત થઈ શકે છે.
આપણ વાંચો: મુજ વીતી તુજ વીતશે! ફેસબુક ઇનસ્ટા પર ટોણો મારનાર, એલન મસ્કની ફેક્ટરીમાં કામ ઠપ્પ
કેટલાક દિવસો પહેલાં એવી પણ જાણકારી મળી હતી કે ટેસ્લા ભારતમાં પોતાના ઓપરેશન્સ ચલાવવા માટે ભાગીદારને શોધી રહી છે. મીડિયાના અહેવાલ મુજબ અમેરિકન ઓટો કંપની એક પ્લાન્ટના નિર્માણ માટે રિલાયન્સની સાથે સંયુક્ત વ્યવસાયની શક્યતાઓ ચકાસી રહ્યા છે. ટેસ્લા માટે સંભવિત પ્લાન્ટની જગ્યાઓમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક સ્થાનનો સમાવેશ થાય છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર સૌથી પસંદગીના સ્થળમાં છે.
અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના જૂન મહિનામાં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા ત્યારે ત્યાં તેમને એલન મસ્ક મળ્યા હતા. ટેસ્લા કંપની દ્વારા ગયા વર્ષે જુલાઈ મહિનામાં જ એવી જાહેરાત કરવામાં આવી હતી કસે 24,000 ડોલરની કિંમત ધરાવતી ઈલેક્ટ્રિક કારના ઉત્પાદન માટે ભારતમાં એક કારખાનું બનાવવામાં કંપનીને રસ છે.
એલન મસ્કે 2019માં જ ભારતમાં રોકાણ માટે રસ દાખવ્યો હતો, પરંતુ તેમણે હાઈ ઈમ્પોર્ટ ટેક્સને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે, ભારત સરકાર સ્પષ્ટ કર્યું હતું કે ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપે તો જ રાહત આપવા અંગે વિચારી શકાય. સરકારે ટેસ્લાને ભારતમાં ચીનમાં નિર્મિત કારને વેચવાની પરવાનગી આપી નથી. સરકારે એલન મસ્કને દેશમાં જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવા જણાવ્યું હતું, જેથી સ્થાનિક વેચાણ અને એક્સપોર્ટ માટે ઉત્પાદન કરી શકાય.