‘મત ચોરી’ના આરોપોને બદલે ‘પુરાવા’ આપોઃ ચૂંટણી પંચે રાહુલ ગાંધી પર તાક્યું નિશાન…

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ‘વોટ ચોરી’ને લઈને મોટી ઝુંબેશ શરૂ કરી છે. 7 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને મહારાષ્ટ્ર અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ‘વોટ ચોરી’ થઈ હોવાની વાત કરી હતી.
ત્યાર બાદ વિપક્ષે ‘વોટ ચોરી’ના બેનર સાથે સંસદની બહાર પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ છેલ્લા એક અઠવાડિયાથી દેશમાં ‘વોટ ચોરી’ની વાત વહેતી થઈ હતી, પરંતુ હવે ભારતના ચૂંટણી પંચે ‘વોટ ચોરી’ને લઈને રાહુલ ગાંધી પર પ્રકાર કર્યા છે.
‘વોટ ચોરી’ના પુરાવા આપો
છેલ્લા એક અઠવાડિયાથી રાહુલ ગાંધી સહિતના નેતાઓ ‘વોટ ચોરી’ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. જેને લઈને ચૂંટણી પંચે નિવેદન આપતા રાહુલ ગાંધીને કહ્યું છે કે, “એક વ્યક્તિ એક વોટનો કાયદો 1951-1952થી અસ્તિત્વમાં આવેલો છે.
જો કોઈ વ્યક્તિએ ચૂંટણીમાં બે વાર મતદાન કર્યાનો પુરાવો હોય તો તેણે ભારતના દરેક મતદાતાઓને કોઈ પુરાવા વગર ચોર કહેવાને બદલે લેખિતમાં સોગંદનામા સાથે તે પુરાવા ચૂંટણી પંચને આપવા જોઈએ.”
મતદારોની ઈમાનદારી પર હુમલો
ચૂંટણી પંચે નિવેદનમાં આગળ જણાવ્યું કે, “ભારતના મતદારો માટે ‘વોટ ચોરી’ જેવા ગંદા વાક્યોનો પ્રયોગ કરીને ખોટા તર્ક કરવા એ કરોડો ભારતીય મતદાતાઓની સાથોસાથ લાખો ચૂંટણી કર્મચારીઓની ઈમાનદારી પર સીધો હુમલો છે.”
ઉલ્લેખનીય છે કે, 7 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ પર આક્ષેપો કર્યા હતા. પોતાના પર લગાવેલા આક્ષેપોને લઈને ચૂંટણી પંચે રાહુલ ગાંધીને એક શપથ પત્ર મોકલ્યું હતું. જેના પર સહીં કર્યા બાદ આગળની તપાસની પ્રક્રિયા થઈ શકે તેમ હતી. પરંતુ હજુ સુધી રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના શપથ પત્ર સહીં કરી નથી.
આ પણ વાંચો…વિપક્ષનું ઉગ્ર પ્રદર્શન: રાહુલ ગાંધીની અટકાયત પછી ફરી ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર…