
નવી દિલ્હી: બિહારમાં ચૂંટણી પંચ દ્વારા SIR મતદારોની યાદી ચકાસવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ યાદીમાંથી લગભગ 65 લાખ મતદારોના નામ હટાવવાના સમાચાર બાદ વિવાદ છેડાયો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને હટાવેલા નામોની યાદી કારણો સાથે જાહેર કરવા અને દાવાઓ માટે આધાર કાર્ડને માન્ય રાખવાનો નિર્દેશ આપ્યો હતો. જેના પરિપાલનમાં ચૂંટણી પંચે હટાવેલા મતદારોની વિગતો સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરી છે, જેથી નાગરિકો તેની ચકાસણી કરી શકે. આ પગલું ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની દિશામાં મહત્વનું માનવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે બિહારની મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ મતદારોની યાદી https://www.eci.gov.in/ પર જાહેર કરી છે. આ યાદીમાં નામ હટાવવાના કારણો પણ દર્શાવવામાં આવ્યા છે, જેથી મતદારો પોતાની માહિતી ચકાસી શકે. સુપ્રીમ કોર્ટે આ કામગીરી માટે 19 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો, અને આગામી સુનાવણી 23 ઓગસ્ટે થવાની છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પગલુ ભૂલોને સુધારવાની તક આપશે અને મતદાર યાદીની ચોકસાઈ વધારશે.
કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે મતદાર યાદીમાંથી દૂર કરાયેલા નામોની વિગતો જાહેર કરવામાં આવે, જેથી કોઈ ભૂલ હોય તો તેને સુધારી શકાય. આ નિર્દેશ બિહારની સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને પડકારતી અરજીના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો. કોર્ટનો ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને ન્યાયની ખાતરી કરવાનો છે, જેથી કોઈ પણ નાગરિકનો મતદાનનો અધિકાર ખોવાઈ ન જાય.
SIR પ્રક્રિયાના આંકડા
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, 24 જૂનથી 25 જુલાઈ દરમિયાન બિહારમાં ચાલેલી SIR પ્રક્રિયા હેઠળ 10,570 ફોર્મ મળ્યા હતા. બિહારમાં કુલ 7.89 કરોડ મતદારોમાંથી 7.24 કરોડથી વધુએ ફોર્મ જમા કરાવ્યા હતા. આ પ્રક્રિયામાં 22 લાખ મતદારોનું મૃત્યુ થયું હોવાનુ, 36 લાખ મતદારો સ્થળાંતર કરી ગયા હોવાનું અને 7 લાખ મતદારોના નામ બહુવિધ ક્ષેત્રોમાં નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું. આ આંકડાઓએ મતદાર યાદીની ચોકસાઈ સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
ચૂંટણી પંચની આ કાર્યવાહીથી મતદારોને પોતાની વિગતો ચકાસવાની અને ભૂલો સુધારવાની તક મળશે. સુપ્રીમ કોર્ટની આગામી સુનાવણી 23 ઓગસ્ટે થશે, જેમાં આ મુદ્દે વધુ ચર્ચા થવાની અપેક્ષા છે. આ પ્રક્રિયા બિહારની ચૂંટણીઓને વધુ પારદર્શી અને નિષ્પક્ષ બનાવવામાં મદદ કરશે. મતદારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ચૂંટણી પંચની વેબસાઈટ પર પોતાનું નામ ચકાસે અને જરૂરી સુધારા માટે અરજી કરે.