ચૂંટણી પંચ આક્રમક: ‘સાત દિવસમાં પુરાવા આપો અથવા માફી માગો’, વિપક્ષ પર સીધો પ્રહાર

નવી દિલ્હીઃ બિહારની વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સહિત વિપક્ષની પાર્ટીએ ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે. મતચોરીના દાવાઓ મુદ્દે ચૂંટણી પંચ અને વિપક્ષ આમનેસામને આવી ગયા છે, ત્યારે વિપક્ષને જવાબ આપવા માટે ચૂંટણી પંચે કોન્ફરન્સ યોજી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધીને સૌથી મોટું નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું હતું કે ચૂંટણી પંચ અને મતદાર યાદી અંગે તેમને જે આરોપો લગાવ્યા હતા એ નિરાધાર અને જૂઠ્ઠા છે. જો તેમની પાસે પુરાવા હોય તો સાત દિવસમાં સોગંદનામું આપવું પડશે અન્યથા સમગ્ર દેશની માફી માગવી પડશે.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે મતદાર યાદીને શુદ્ધ કરવાની સહિયારી જવાબદારી છે, પરંતુ બિહારમાં અમારા બૂથ લેવલ અધિકારીઓએ બૂથ લેવલ એજન્ટ અને રાજકીય પક્ષો સાથે મળીને કામ કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણી પંચનો ડેટા ન હોય તેવી પીપીટી બતાવવી અને ખોટું વિશ્લેષણ કરવું અને કહેવું એક મહિલાએ બે વખત મતદાન કર્યું છે તે ખૂબ જ ગંભીર આરોપ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ચૂંટણી પંચ આ પ્રકારના ગંભીર આરોપો પર સોગંદનામા વિના કાર્યવાહી કરી શકે નહીં, કારણ કે તે બંધારણ અને ચૂંટણી પંચ બંનેની વિરુદ્ધ હશે.
આ પણ વાંચો: ‘વોટ ચોરી’ મુદ્દે ચૂંટણી પંચે આપ્યો સણસણતો જવાબઃ ‘અમારા માટે બધા પક્ષ એક સમાન’
રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે કહ્યું કે મારા મતદારોને ગુનેગાર બનાવી રહ્યા છીએ અને ચૂંટણી પંચ ચૂપ છે. આ શક્ય છે. સોગંદનામું આપવું પડશે. દેશ સમક્ષ માફી માગવી પડશે એના સિવાય ત્રીજો વિકલ્પ નથી. જો સાત દિવસમાં સોગંદનામું નહીં મળે તો એનો અર્થ એ છે કે આ બધા આરોપો પાયાવિહોણા છે. ચૂંટણી પંચે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મતદારોના ફોટા, નામ અને ઓળખ જાહેર કરવામાં આવ્યા, જે ખોટું છે. કેટલાક ડબલ વોટિંગના આરોપ મૂકવામાં આવ્યા હતા, જેમાં પુરાવા માંગ્યા તો જવાબ ન મળ્યો. ચૂંટણી પંચ આ પ્રકારના આરોપોથી ડરતું નથી. વાસ્તવમાં અમારા ખભે બંદૂર રાખીને રાજકારણ રમી રહ્યા છે, એમ પણ જણાવ્યું હતું.
ચૂંટણી પ્રક્રિયામાં એક કરોડથી વધુ કર્મચારી છે, જેમાં 10 લાખથી વધુ બુથ એજન્ટ અને 20 લાખથી વધુ ઉમેદવારના એજન્ટ હોય છે. આટલા લોકો સામે વોટ ચોરી કઈ રીતે થઈ શકે એવો પણ સવાલ કરવામાં આવ્યો હતો. હાલમાં મતદારોની મંજૂરી વિના જ તેમની તસવીરો જાહેર કરી દેવામાં આવી અને તેમના પર આરોપ મૂકાયા કે તેમનો ઉપયોગ કરાયો. શૂં ચૂંટણી પંચે કોઈની માતા વહૂ કે પુત્રીના સીસીટીવી ફૂટેજ જાહેર કરવા જોઈએ એવો પણ સવાલ કર્યો હતો.