નેપાળમાં ત્રણ કલાકમાં ધરતીકંપના આઠ આંચકા
મિલકતોને ભારે નુકસાન: 11 ઘાયલ
કાઠમંડુ: પશ્ચિમ નેપાળમાં મંગળવારે લગભગ અડધા કલાકના સમયગાળામાં અનુક્રમે 5.3 અને 6.3ની તીવ્રતાના એમ બે ભૂકંપ આવ્યા હતા. આ ભૂકંપમાં 11 જણ ઘાયલ થયા હોવા ઉપરાંત અનેક ઘરોને નુકસાન પહોંચ્યું હોવાનું વહીવટીતંત્રએ કહ્યું હતું.
ભૂકંપને કારણે ભેખડો ધસી પડવાની ઘટના પણ બની હતી જેને લીધે મુખ્ય હાઈવે પર પણ અવરોધ ઊભો થયો હતો. ભારતની રાજધાની દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
કાઠમંડુની 700 કિ.મી. પશ્ચિમે આવેલા બાજહન્ગ જિલ્લામાં 5.3ની તીવ્રતાનો પ્રથમ ભૂકંપ મંગળવારે બપોરે 2:40 વાગે અને 6.3ની તીવ્રતાનો બીજો ભૂકંપ બપોરે 3:06 વાગે આવ્યો હોવાનું નેશનલ અર્થક્વેક મોનિટરિંગ ઍન્ડ રિસર્ચ સેન્ટરે કહ્યું હતું.
ત્યાર બાદ બપોરે 3:00 વાગ્યાથી 5:38 વાગ્યા દરમિયાન છ વખત ચારથી પાંચની તીવ્રતાના આફ્ટરશૉક અનુભવાયા હોવાનું તેમણે કહ્યું હતું.
15:13 વાગે 5.1, 15:45 વાગે 4.1, 16:28 વાગે 4.1, 16:31 વાગે 4.3, 17:19 વાગે 5:00 અને 17.38 વાગે 5:00ની તીવ્રતાના આંચકા અનુભવાયા હોવાનું તેમણે કહ્યું હતું.
આ ભૂકંપમાં ચાર વિદ્યાર્થી સહિત 11 જણ ઘાયલ થયા હતા. ભૂકંપને કારણે ગભરાયેલા એક વિદ્યાર્થીએ બે માળની ઈમારત પરથી છલાંગ લગાવતા તે ઘાયલ થયો હતો.
વહીવટીતંત્રના સ્થાનિક કાર્યાલયના જણાવ્યા અનુસાર ભૂકંપનાં આંચકાઓને કારણે જિલ્લા પોલીસના કાર્યાલય સહિત અનેક ઈમારતોને નુકસાન થયું હતું.
ભૂકંપ બાદ પડોશી અચ્ચામ, દોતી, બાજૂરા અને બૈટાડી જિલ્લામાં પણ અનેક આફ્ટરશૉક અનુભવાયા હોવાનું તેમણે કહ્યું હતું.
નેપાળમાં એપ્રિલ 2015માં 7.8ની તીવ્રતાના આવેલા ભૂકંપમાં અંદાજે 9,000 લોકોનાં મોત થયાં હોવા ઉપરાંત 22,000 કરતાં પણ વધુ લોકો ઘાયલ થયા હતા. આ ભૂકંપમાં શાળાની ઈમારતો સહિત 80,000 ઈમારતોને નુકસાન થયું હતું. (એજન્સી)