
ચેન્નઈ: મધ્યપ્રદેશના સરકારી દવાખાનામાંથી આપવામાં આવેલી કફ સિરપ લેવાને કારણે 20થી વધુ બાળકોના મોત નીપજ્યા છે, જેને કારણે ખળભળાટ મચી ગયો છે. બાળકોને આપવામાં આવેલી કફ સિરપ તમિલનાડુની શ્રીસન ફાર્મા દ્વારા બનાવવામાં આવી હતી, જેના માલિક જી. રંગનાથનની ધરપકડ કરવામાં આવી છે.
હવે આ મામલે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ શ્રીસન ફાર્મા સાથે જોડાયેલા પરિસરોમાં દરોડા પાડ્યા છે.
ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA) હેઠળ તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં શ્રીસન ફાર્માના સાત સ્થળોએ દરોડા પાડ્યા છે. મહત્વની વાત એ છે કે તમિલનાડુ ડ્રગ કંટ્રોલ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ સાથે જોડાયેલા કેટલાક સ્થળોએ પણ દરોડા આપવામાં આવ્યા છે.
EDના અધિકારીઓના જણાવ્યા મુજબ પોલીસ તપાસના આધારે આ મામલે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરવામાં આવી છે. ED કંપની અને અન્ય લોકોએ કરેલા ટ્રાન્ઝેક્શનની તપાસ કરશે. મધ્યપ્રદેશ પોલીસ પાસેથી કંપનીના માલિક જી રંગનાથનની કસ્ટડી મળ્યા બાદ, ED તેની પણ પૂછપરછ કરશે.
કંપનીનું લાઇસન્સ રદ થશે:
મધ્યપ્રદેશમાં બાળકોના મોત બાદ તમિલનાડુ સરકારે શ્રીસન ફાર્મા કંપનીને બંધ કરવાનો આદેશ આપ્યો હતો, ટૂંક સમયમાં કંપનીનું લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવશે. શ્રીસન ફાર્મા કંપનીના માલિક જી રંગનાથનની ગયા અઠવાડિયે મધ્યપ્રદેશ અને તમિલનાડુ પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે તમિલનાડુ સરકારે બે ડ્રગ ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કર્યા હતા.
આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટે કફ સિરપથી બાળકોના મોતની સીબીઆઈ તપાસની માંગની અરજી ફગાવી