ED આ ક્રિકેટર્સ અને ફિલ્મી હસ્તીઓની મિલકત જપ્ત કરશે! આ મામલે થઇ રહી છે કાર્યવાહી

નવી દિલ્હી: ઓનલાઈન બેટિંગ કૌભાંડમાં કરોડોની હેરફેર સામે ભારત સરકારની તપાસ એજન્સીઓ કડક કાર્યવાહી કરી રહી છે. ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ 1xBet સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પુછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તાજેતરમાં કેટલાક ક્રિકેટ ખેલાડીઓ અને ફિલ્મી હસ્તીઓને સમન પાઠવ્યું હતું, જેમાંથી કેટલાક હાજર થયા ન હતાં. હવે ED તેમની સામે મોટી કાર્યવાહી કરે તેવી શક્યતા છે.
એક અહેવાલ મુજબ ED કેટલાક ખેલાડીઓ અને ફિલ્મી હસ્તીઓની સંપત્તિ જપ્ત કરી શકે છે. અનેક સમન્સ છતાં તેઓ પૂછપરછ માટે હાજર થયા ન હતાં. આરોપ છે કે આ હસ્તીઓએ 1xBetની એન્ડોર્સમેન્ટ ફીનો ઉપયોગ કરીને કેટલીક મિલકતો ખરીદી હતી. આ મિલકતોને ગુનાની આવક જાહેર કરવામાં આવી છે અને ત્યાર બાદ જપ્ત કરવામાં આવી શકે છે.
આ લોકો સામે કાર્યવાહી:
1xBet સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં યુવરાજ સિંહ, સુરેશ રૈના, રોબિન ઉથપ્પા અને શિખર ધવન જેવા ભારતીય ટીમના પૂર્વ ખેલાડીઓના નામ સામેલ છે. ક્રિકેટર્સ ઉપરાંત સોનુ સૂદ, મીમી ચક્રવર્તી, અંકુશ, ઉર્વશી રૌતેલા જેવી ફિલ્મી હસ્તીઓને પણ સમન પાઠવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ઉર્વશી રૌતેલા ભારતમાં 1xBet એપની એમ્બેસેડર હતી, હાલ તે વિદેશમાં હોવાથી પુછપરછ માટે હાજર થઇ ન હતી.
ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ થશે:
હાલ ED એ બાબતની તપાસ કરી રહી છે કે શું આ સેલિબ્રિટીઓએ ગેરકાયદેસર આવકથી વિદેશમાં મિલકતો ખરીદી છે કે કેમ. ED મની લોન્ડરિંગની તપાસ કરવા માટે મિલકતની વિગતો, બેંક ખાતા, ટ્રાન્ઝેક્શન અને અન્ય પુરાવા એકઠા કરી રહી છે, ED ટૂંક સમયમાં આ મામલે ચાર્જશીટ દાખલ કરી શકે છે.
આપણ વાંચો: કરૂર નાસભાગ મામલે આજે મદ્રાસ હાઇ કોર્ટમાં સુનાવણી, સીબીઆઈ તપાસની માંગ