નેશનલ

ઈડીની મોટી કાર્યવાહી: ઉદ્યોગપતિ આનંદ જૈન અને જય કોર્પ પર રાયપુર સહિત 5 શહેરમાં દરોડા…

રાયપુર: જય કોર્પ લિમિટેડના ડિરેક્ટર અને ઉદ્યોગપતિ આનંદ જયકુમાર જૈન અને તેમની સાથે જોડાયેલી કંપનીઓ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ના શંકાના દાયરામાં આવી ગઈ છે. ઈડી આ કંપની સાથે જોડાયેલા દસ્તાવેજો, નાણાકીય ટ્રાન્ઝેક્શન અને શંકાસ્પદ રોકાણોની તપાસ કરી રહી છે. આ તપાસના અનુસંધાને આજે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડી દ્વારા આજે મુંબઈ, રાયપુર સહિત પાંચ શહેરમાં દરોડા પાડવામાં આવ્યા છે.

મુંબઈમાં 20 સ્થળે તપાસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ઈડી) આજે મોટા દરોડા પાડ્યા છે, જેમાં રાયપુર, મુંબઈ, નાગપુર, નાશિક અને બેંગલૂરુ સહિતના અનેક શહેરોમાં એકસાથે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ પગલું રિયલ એસ્ટેટ ફંડ દ્વારા રોકાણકારો સાથે થયેલી કથિત છેતરપિંડી અને 2434 કરોડ રૂપિયાની હેરાફેરીની તપાસ સાથે જોડાયેલું છે. આ અંગે સીબીઆઈની તપાસ પણ ચાલુ જ છે.

અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, ઈડીએ વિવિધ રાજ્યોના કાર્યાલયો અને રહેણાંક સ્થળોએ દરોડા પાડ્યા છે. મુંબઈમાં લગભગ 20 સ્થળોની તપાસ કરવામાં આવી છે, જ્યારે રાયપુર, નાશિક અને બેંગલૂરુમાં લગભગ 10 સ્થળોએ તપાસ ચાલી રહી છે.

અગાઉ પણ કંપની વિરૂદ્ધ થઈ ફરિયાદ

ઉલ્લેખનીય છે કે, 18 ફેબ્રુઆરી 2025ના રોજ સીબીઆઈએ જય કોર્પ લિમિટેડ તથા તેની સાથી કંપનીઓ તથા તેના બિઝનેસ પાર્ટનર શાંતિલાલ પારેખ વિરૂદ્ધ ગુનાઈત ષડયંત્ર, છેતરપિંડી, નકલી દસ્તાવેજોને અસલી ગણાવીને તેનો ઉપયોગ કરવાનો આરોપ લગાવીને ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો.

અગાઉ બોમ્બે હાઈ કોર્ટમાં એક્ટિવિસ્ટ શોએબ રિચી સિક્કેરાએ આ કંપની પર પબ્લિક ફંડનો દુરુપયોગ અને 4255 રૂપિયાની ઉચાપત, રોકાણકારો સાથે છેતરપિંડી, ટેક્સ હેવેનવાળા દેશોમાં બનાવટી કંપનીઓ દ્વારા નાણાની તસ્કરી અને ખોટા ચલણ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય શોએબ રિચી સિક્કેરાએ 2021 અને 2023માં પણ મુંબઈ પોલીસ આર્થિક અપરાધ શાખા(EOW) અને એન્ફોર્સમેન્ટ નિર્દેશાલય (ED)માં બે ફરિયાદ દાખલ કરી હતી.

આ પણ વાંચો…ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ઈડીના કોલસા માફિયા પર દરોડા, 10 કરોડની રોકડ જપ્ત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button