અપ્રમાણસર સંપત્તિઃ MPમાં પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં ઇડીના દરોડા

ભોપાલઃ ઇડી (ED)એ આજે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે મધ્ય પ્રદેશમાં પરિવહન વિભાગના ભૂતપૂર્વ અધિકારીને ત્યાં દરોડા પાડ્યા હતા. તાજેતરમાં જ લોકાયુક્ત પોલીસે અપ્રમાણસર સંપતિ રાખવાના આરોપમાં દરોડા પાડ્યા હતા, એમ તાજેતરમાં સૂત્રોએ જણાવ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક લાવારિસ એસયુવીમાંથી લગભગ રૂપિયા બાવન કરોડના મૂલ્યનું સોનું અને રોકડ સંબંધિત જપ્તીની તપાસ કરી રહ્યું છે. રાજધાની ભોપાલ, ગ્વાલિયર અને જબલપુરમાં પાંચ-છ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે આ પરિસર સૌરભ શર્માના પરિવાર અને સહયોગીઓ સાથે સંકળાયેલા છે.
Also read: ફ્લેમિંગોના રક્ષણાર્થે સિડકો એલઇડી લાઇટ્સ બદલશે…
લોકાયુક્ત પોલીસે ગયા અઠવાડિયે ભોપાલમાં શર્માના પરિસરમાં દરોડા પાડ્યા બાદ ૨.૮૫ કરોડની રોકડ સહિત ત્રણ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી. ત્યાર બાદ ૨૦ ડિસેમ્બરે આવકવેરા વિભાગે ભોપાલમાં એક લાવારિસ એસયુવીમાંથી રૂા. ૪૦ કરોડની કિંમતની ૫૨ કિલોગ્રામ સોનાની લગડીઓ અને ૧૧ કરોડ રૂપિયાથી વધુની રોકડ કબજે કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વાહન ચેતન સિંહ ગૌર નામના વ્યક્તિના નામે રજીસ્ટર હતું, જે શર્માનો નજીકનો સહયોગી છે. સૂત્રોએ જણાવ્યું કે બંને કેસો એકબીજા સાથે સંકળાયેલા હોઇ શકે છે અને તથ્યોની ભાળ મેળવવા માટે તપાસ ચાલી રહી છે. કહેવામાં આવે છે કે શર્માએ લગભગ એક વર્ષ પહેલા સેવામાંથી સ્વૈચ્છિક નિવૃતિ લીધી હતી.