‘ED આવી ગઈ’ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલને ત્યાં દરોડા; આ મામલે તપાસ

રાઈપુર: છત્તીસગઢ રાજ્યમાં દારૂ વેચાણમાં કથિત ગેરરીતિઓ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસ અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તપાસ કરી રહી છે. આ મામલે તપાસના ભાગરૂપે આજે શુક્રવારે વહેલી સવારે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલના નિવાસસ્થાને EDની ટીમે દરોડા પાડ્યા છે.
અહેવાલ મુજબ ભૂપેશ બઘેલના દીકરા ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. તાજેતરમાં મળેલા નવા પુરાવાને આધારે આધારે ED ની ટીમ તાપસ કરી રહી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બાઘેલે શું કહ્યું?
તેમના નિવાસસ્થાન પર પડેલા દરોડા અંગે ભૂપેશ બઘેલે પોતે જાણકારી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે વિધાનસભા સત્રના છેલ્લા દિવસે EDની ટીમ તેમના ભિલાઈ નિવાસસ્થા તપાસ કરવા પહોંચી છે.
ભૂપેશ બઘેલે લખ્યું કે તમનારમાં અદાણીના પ્રોજેક્ટ માટે કાપવામાં આવી રહેલા વૃક્ષોનો મુદ્દો તેઓ આજે વિધાનસભા ઉઠાવવા જઈ રહ્યા હતા, એટલા માટે EDની ટીમને મોકલવામાં આવી છે.
શું છે કથિત દારૂ કૌભાંડ?
આ વર્ષે માર્ચ મહિનામાં પણ EDએ ચૈતન્ય બઘેલ દરોડા પાડ્યા હતા. આરોપ છે કે દારૂ કૌભાંડમાં ચૈતન્ય બઘેલને રૂપિયા મળ્યા છે. અહેવાલ મુજબ છત્તીસગઢના આ દારૂ કૌભાંડને કારણે રાજ્યના તિજોરીને ભારે નુકસાન થયું છે. EDએ લગાવેલા આરોપો મુજબ સરકારી અધિકારીઓ, રાજકારણીઓ અને દારૂના વેપારીઓએ સાથે મળીને એક સ્કીમ ચલાવી હતી, જે હેઠળ વર્ષ 2019 અને 2022 વચ્ચે રાજ્યમાં દારૂના વેચાણથી લગભગ 2,161 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું.
ભૂપેશ બઘેલ સામે CBI તપાસ:
નોંધનીય છે કે ભૂપેશ બઘેલ સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) પણ મહાદેવ બેટીંગ એપ મામલે તાપસ કરી રહી છે, આ મામલે માર્ચમાં તેમના પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. એ સમયે પણ બુપેશ બઘેલે દરોડાને વખોડી કાઢ્યા હતાં.
આ પણ વાંચો…શિકોહપુર લેન્ડ ડીલ કેસ: EDની મોટી કાર્યવાહીઃ રોબર્ટ વાડ્રા સામે ચાર્જશીટ અને 43 સંપત્તિ જપ્ત…