કાર્તિ ચિદમ્બરમે ચીની નાગરિકોને વિઝા મામલે લાંચ લીધી હોવાનો ઇડીનો આરોપ
નવી દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે એક કંપનીના ચીની કર્મચારીઓને ફરીથી વિઝા અપાવવાના સંબંધમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે મંજૂરી માટે નજીકના સહયોગીના માધ્યમથી 50 લાખ રૂપિયાની લાંચ લીધી હોવાનો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ ગુરુવારે આરોપ લગાવ્યો હતો.
આ કંપની પંજાબમાં પાવર પ્લાન્ટ સ્થાપિત કરી રહી હતી. ઇડીએ દાવો કર્યો હતો કે લાંચની આ રકમ ટ્રાન્જેક્શન મારફતે એક કંપનીમાં રોકાણ કરવામાં આવી હતી, જ્યાં કાર્તિ ચિદમ્બરમ ડિરેક્ટર હતા અને તેમનું નિયંત્રણ હતું. કાર્તિ ચિદમ્બરમ (52) તમિલનાડુની શિવગંગા બેઠક પરથી લોકસભાના સભ્ય છે. આ કેસમાં એજન્સીએ અનેક વખત તેમનું નિવેદન નોંધ્યું છે.
આપણ વાંચો: ચિદમ્બરમને પીએમ મોદીના વખાણ કરવા ભારે પડ્યા, કોંગ્રેસે 10 દિવસમાં જવાબ માંગ્યો
કેન્દ્રિય તપાસ એજન્સીએ કાર્તિ ચિદમ્બરમ, તેમના દ્વારા પ્રમોટ કરાયેલી કંપની એડવાન્ટેજ સ્ટ્રેટેજિક કન્સલ્ટિંગ પ્રાઈવેટ લિમિટેડ, તેમના કથિત નજીકના સહયોગી અને એકાઉન્ટન્ટ એસ. ભાસ્કરરમન, તલવંડી સાબો પાવર લિમિટેડ અને અન્યો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આ આરોપો લગાવ્યા હતા. ચીની કામદારો તલવંડી સાબો પાવર લિમિટેડમાં તૈનાત હતા.
દિલ્હીમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળની વિશેષ અદાલતે 19 માર્ચે ફરિયાદી પક્ષની ફરિયાદની નોંધ લીધી હતી. કોર્ટે કાર્તિ ચિદમ્બરમ સહિત ચાર્જશીટમાં નામ આપવામાં આવેલા તમામ આરોપીઓને 15 એપ્રિલે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. અન્ય આરોપીઓમાં પદ્મ દુગર, વિકાસ મખરિયા, મંસૂર સિદ્દીકી અને દુગર હાઉસિંગ લિમિટેડનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: PMLA હેઠળ EDની સત્તાઓને પડકારતી પુનર્વિચારની અરજી માટે SCમાં સ્પેશિયલ બેન્ચ રચાઇ
ઇડીએ જણાવ્યું હતુ કે તપાસમાં ખુલાસો થયો હતો કે “કાર્તિ ચિદમ્બર પંજાબના મનસામાં પાવર પ્રોજેક્ટ સ્થાપિત કરી રહેલી તલવંડી સાબો પાવર લિમિટેડ નામની કંપની દ્વારા ચીની નાગરિકોના વિઝાના ફરીથી ઉપયોગ માટે મંજૂરી મેળવવા માટે પોતાના નજીકના સહયોગી એસ.ભાસ્કરરમનના માધ્યમથી 50 લાખની લાંચ લીધી હતી.
એક નિવેદનમાં ઇડીએ કહ્યું કે કંપનીના અધિકારીઓએ ગૃહ મંત્રાલય પાસેથી વિઝાના ફરીથી ઉપયોગની મંજૂરી મેળવવા માટે કાર્તિ ચિદમ્બરમનો સંપર્ક કર્યો હતો, જ્યાં તેમના પિતા (વરિષ્ઠ કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ) ગૃહ પ્રધાન હતા.
ઇડીએ દાવો કર્યો હતો કે રોકાણ કરાયેલ 50 લાખ રૂપિયાનું મૂલ્ય સમયાંતરે વધીને 1.59 કરોડ રૂપિયા થયું છે. આ મામલાને પાયાવિહોણા ગણાવતા કાર્તિએ કહ્યું હતું કે “250 શું, એક પણ ચીની નાગરિકને વિઝા પ્રક્રિયામાં મદદ કરી નથી.