UP Budget Session વખતે વિપક્ષના સભ્યોની ધમાલ, રાજ્યપાલ સામે ‘વાપસ જાઓ..’ના નારા લગાવ્યા

લખનઊઃ યુપી વિધાનસભાનું બજેટ સત્ર શુક્રવારથી શરૂ થઈ ગયું છે. બજેટ સેશનના પ્રથમ દિવસે જ રાજ્યપાલ આનંદીબેન પટેલે (Governor Anandiben Patel) વિધાનસભાના બંને ગૃહોને સંબોધિત કર્યા હતા અને સરકારની સિદ્ધિઓની ચર્ચા કરી હતી. વર્તમાન બજેટ સત્ર 12 ફેબ્રુઆરી સુધી ચાલશે. 5 ફેબ્રુઆરીએ નાણામંત્રી સુરેશ ખન્ના વિધાનસભામાં નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. આ બધાની વચ્ચે રાજ્યપાલના સંબોધન દરમિયાન સપાના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
સપાના સભ્યો રાજયપાલ સામે નારા લગાવતા રહ્યા અને ભારે હંગામો મચાવ્યો હતો. વિપક્ષના તમામ સભ્યો રાજ્યપાલને પાછા જવા માટે કહેતા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. વિપક્ષના તમામ સભ્યો રાજ્યપાલને ‘વાપસ જાઓ, વાપસ જાઓ..’ના નારા લગાવવા લાગ્યા હતા. આ સમયે ભાજપના સભ્યોએ પણ સામે પ્રતિક્રિયા આપી હતી.
જો કે, રાજ્યપાલે તેમનું સંબોધન વાંચવાનું ચાલુ રાખ્યું હતું. રાજ્યપાલે પોતાના સંબોધનના અંતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પોતાની યોજનાઓ અમલમાં મૂકીને રાજ્યમાં રામરાજ્ય સ્થાપવામાં અને કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવામાં સફળ રહી છે.