છેલ્લે લોકસભાની ચૂંટણી વખતે ડો. મનમોહન સિંહે શું કહ્યું હતું, જાણો?
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું ગઈકાલે નિધન થયું. મહાન અર્થશાસ્ત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું 92 વર્ષે અવસાન થયા પછી ભારત સહિત દુનિયાભરના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે, જેઓ લોકસભાની ચૂંટણી સુધી સક્રિય રહ્યા હતા અને કેન્દ્ર સરકાર પર ટીકાસ્ત્રો છોડવાનું ચૂક્યા નહોતા.
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે તેમના નાજુક સ્વાસ્થ્ય છતાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણી દરમિયાન મોદી વિશે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે તેમના અનુગામી નરેન્દ્ર મોદી પર ચૂંટણી પ્રચાર દરમિયાન ‘ઘૃણાસ્પદ ભાષણ’ આપીને જાહેર ચર્ચાની ગરિમા અને વડા પ્રધાનપદની ગરિમા ઘટાડવાનો આરોપ લગાવ્યો હતો.
રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવી હતી
પહેલી જૂને લોકસભા ચૂંટણીના સાતમાં તબક્કા પહેલા પંજાબના મતદારોને અપીલ કરતા મનમોહન સિંહે કહ્યું હતું કે માત્ર કોંગ્રેસ જ વિકાસલક્ષી પ્રગતિશીલ ભવિષ્યની ખાતરી કરી શકે છે, જ્યાં લોકતંત્ર અને બંધારણનું રક્ષણ કરવામાં આવશે. વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ ભાજપ સરકાર પર ‘ખોટી રીતે વિચારવામાં આવેલી’ અગ્નિપથ યોજનાને લાગુ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો, જેને તેમણે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો.
આપણ વાંચો: પાકિસ્તાનથી લઈ અમેરિકાના અખબારોએ ડૉ. મનમોહન સિંહના નિધન અંગે કરી મોટી વાત, જાણો કોણે શું લખ્યું?
પંજાબના મતદારોને લખ્યો હતો પત્ર
પંજાબના મતદારોને લખેલા તેમના છેલ્લા પત્રમાં તેમણે કહ્યું હતું કે ભાજપ વિચારે છે કે દેશભક્તિ, બહાદુરી અને સેવાનું મૂલ્ય માત્ર ચાર વર્ષ છે. આ તેમના બનાવટી રાષ્ટ્રવાદને દર્શાવે છે. કોંગ્રેસે ૩૦મેના રોજ સિંહનો પત્ર મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો.
અગ્નિવીર યોજના નાબૂદ કરવાનું વચન
સિંહે જણાવ્યું હતું કે મોદી સરકારે નિયમિત ભરતી માટે તાલીમ લેનારાઓને છેતર્યા છે. અગ્નિવીર યોજના રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં નાખે છે. તેથી કોંગ્રેસ પાર્ટીએ અગ્નિવીર યોજનાને નાબૂદ કરવાનું વચન આપ્યું છે.
આપણ વાંચો: જ્યારે વાજપેયીની ટીકા પર મનમોહન સિંહે રાજીનામું આપવાનું નક્કી કરી લીધું…
મોદી પર પ્રહાર કરતાં સિંહે કહ્યું હતું કે હું આ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પ્રવચનો પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યો છું. મોદીજીએ સૌથી વધુ ઘૃણાસ્પદ ભાષણો આપ્યા છે, જે સંપૂર્ણપણે વિભાજનકારી છે. મોદીજી જાહેર પ્રવચનોની ગરિમા અને વડા પ્રધાન પદની ગરિમાને ઘટાડનારા પ્રથમ વડા પ્રધાન છે.
એક માત્ર ભાજપનો કોપીરાઈટ છે
ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું હતું કે ભૂતકાળમાં કોઇ પણ વડા પ્રધાને સમાજના કોઇ ચોક્કસ વર્ગ અથવા વિપક્ષને નિશાન બનાવવા માટે આ પ્રકારના ઘૃણાસ્પદ, અસંસદીય અને અસભ્ય શબ્દોનો ઉપયોગ કર્યો નથી.
તેમણે મારા નામે કેટલાક ખોટા નિવેદનો પણ આપ્યા છે. મેં મારા જીવનકાળમાં ક્યારેય પણ એક સમુદાયને બીજાથી અલગ કર્યો નથી. આ એકમાત્ર ભાજપનો કોપીરાઇટ છે.
આપણ વાંચો: વિદેશી રાજનેતાઓથી લઈને બૉલીવુડ સ્ટાર્સે મનમોહન સિંહનાં નિધન પર આપી શ્રદ્ધાંજલિ
દેશને વિભાજનકારી તાકતથી બચાવો
મોદીએ સિંહ પર આરોપ મૂક્યો હતો કે દેશના સંસાધનો પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. સિંહે પત્રમાં કહ્યું હતું કે અમાનવીયકરણની આ કહાની હવે તેની ચરમસીમાએ પહોંચી ગઇ છે. હવે આપણી ફરજ છે કે આપણે આપણા પ્રિય દેશને આ વિભાજનકારી તાકતોથી બચાવીએે.