હવે આ દેશના લોકો ટેક્સીમાં ઉડશેઃ જાણો કેવી છે આ નવા મૉડ ઓફ ટ્રાન્સપોર્ટની ખાસિયતો

નવી દિલ્હી: ભારત જેવા અનેક દેશોમાં મેટ્રો ટ્રેનની સુવિધા છે. જે પરિવહનને સુલભ બનાવે છે. પરંતુ દુબઈ હવે મેટ્રો કરતાં પણ એક પગલું આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. વર્ષ 2026માં દુબઈ ખાતે ઉડતી ટેક્સીની શરૂઆત થવા જઈ રહી છે.જે દુબઈના પરિવહનમાં પરિવર્તન લાવી દેશે. ઉડતી ટેક્સીની ખાસિયત શું છે? આવો જાણીએ.
320 કિમી/કલાકની સ્પીડે ઉડશે ટેક્સી
યુએસની જોવી એવીએશન કંપની દુબઈમાં ઉડતી ટેક્સી (એર ટેક્સી) શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જેના માટે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉડતી ટેક્સીની અંદર સલામતીના ફિચર્સની સાથોસાથ કાચની દિવાલ અને છત સુધી વિંડશીલ્ડ હશે. જેનાથી મુસાફરી દરમિયાન દુબઈ શહેરનો અદ્ભુત નજારો જોવા મળશે.
ઉડતી ટેક્સીમાં ચાર મુસાફરો બેસી શકે તેટલી ક્ષમતા હશે. 320 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ ધરાવતી ઉડતી ટેક્સીને લાયસન્સધારક પાટલટ ચલાવશે. જોબી એવીએશન અને ઉબર ગ્લોબલ પાર્ટનર છે. જેથી તેને ઉબર ટેક્સીની જેમ બુક કરી શકાશે. ઉડતી ટેક્સીનું ભાડુ કેટલું હશે? એ અંગે કોઈ સાચી માહિતી પ્રાપ્ત થતી નથી. પરંતુ એક આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ એજન્સીના અનુમાન અનુસાન ઉડતી ટેક્સીની એક ટ્રિપનું ભાડુ અંદાજિત 75 ડોલર એટલે કે લગભગ 6464 રૂપિયા હોઈ શકે છે.
45 મિનિટનું અંતર 12 મિનિટમાં પૂરૂ કરશે
એર ટેક્સી નેટવર્ક ચાર મુખ્ય વર્ટીપોર્ટથી ચાલશે. દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ડાઉનટાઉન દુબઈ, દુબઈ મરીના અને પામ જુમેરાહ એમ ચાર જગ્યાએ વર્ટીપોર્ટના નિર્માણની કામગીરી ચાલી રહી છે. દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું પહેલું વર્ટીપોર્ટ 2026ની શરૂઆતમાં તૈયાર થઈ જશે. દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી કાર દ્વારા પામ જુમેરાહ સુધી પહોંચવામાં 45 મિનિટનો સમય લાગે છે. પરંતુ ઉડતી ટેક્સ માત્ર 12 મિનિટમાં દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પામ જુમેરાહ પહોંચાડી દેશે.
ઉલ્લેખનીય છે કે, દુબઈમાં આ સેવા ધીરે-ધીરે હોટલ અને અન્ય ખાસ જગ્યાઓ સુધી પણ પહોંચી જશે. જેથી એરપોર્ટથી તમારા ગંતવ્ય સુધી પહોંચવું સરળ બની જશે.જેથી ઉડતી ટેક્સીની આ સેવા દુબઈના પરિવહન તંત્રમાં ક્રાંતિ લાવશે.